હિંમતનગરની સિવીલ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ હોસ્પિટલના તબીબે પ્રૌઢને મૃત જાહેર કર્યા
હિંમતનગર – વિજાપુર માર્ગ પર આવેલા લાલપુર ગામના પાટીયા નજીક પલ્સર બાઈકના ચાલકે એવીયેટર વાહનને ટક્કર મારતા થયેલા અકસ્માતમાં લાલપુરના પ્રૌઢનુ ઘટનાસ્થળે મોત નિપજતા પરીવારજનોમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. અકસ્માતની આ ઘટનામાં અકસ્માત સર્જનાર વાહન ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવ સંદર્ભે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર હિંમતનગર-વિજાપુર રોડ ઉપર આવેલ લાલપુર ગામના પાટીયા નજીકથી પુરઝડપે પસાર થતા પલ્સર બાઈક નં.જીજે.૦૯.એએસ. ૮૭૧૫ના ચાલકે આગળ જતા એવીયેટર વાહન નં.જીજે.૧૮.એઈ.૨૯૦૦ને પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં યાસીનભાઈ વલીભાઈ માકણોસીયા (રહે. લાલપુર) ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં પટકાયા હતા અને ઘટનાસ્થળ પર જ તેમનુ કરૂણ મોત થયુ હતુ.
બનાવ સંદર્ભે મૃતકના પરીવારજનોને અને ગ્રામ્ય પોલીસને જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ મૃતકની લાશને પીકઅપ ડાલામાં હિંમતનગરની સિવીલ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ હોસ્પિટલના તબીબે પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા. જેથી પરીવારજનોએ મૃતકની લાશનું પી.એમ. કરાવી અંતિમ વિધિ માટે લઈ ગયા હતા. લાલપુરના પ્રૌઢના મોતથી પરીવારજનોમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. મૃતકના પુત્રએ અકસ્માતની ઘટના સંદર્ભે અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરૂધ્ધ બુધવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમર્મા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી