અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના, બહેરા કાનને ખોલવા માટે આમ આદમી પાર્ટીએ મોડાસા હિંમતનગર હાઈવે રામધૂન યોજી વિરોધ કર્યો હતો. મોડાસા હિંમતનગર હાઈવે પર ઠેર ઠેર પડેલા, ખાડાને લઇને, વાહન ચાલકો, છેલ્લા કેટલાય વર્ષોથી પરેશાન થઈ રહ્યા છે, જેને લઇને અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આપના હોદ્દેદારોએ સ્ટેટ હાઈવે પર બેસીને, રોડ બ્લોક કરતા વાહનોની લાંબી કતારો લાગી હતી. સંગઠના હોદ્દેદારોએ ભારે સુત્રોચ્ચાર કરતા લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા. આપની માંગ હતી કે, રોડની કામગીરી ઝડપી થાય, અને તંત્ર લોકોની ચિંતા કરીને, ખાડાને કારણે થતાં અકસ્માત અટકાવે.
આમ આદમી પાર્ટીના, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે, રોડ બનવાને લઇને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે રોડ બનાવવા માટે કાળી મેટલનો ઉપયોગ થતો હોય છે, પણ અહીં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા રોડમાં, લાલ મેટલનો ઉપયોગ કેમ થાય છે?
રોડની કામગીરી ઝડપી થાય અને ભ્રષ્ટાચાર ન થાય, તે માટે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં, ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોએ પણ સમર્થન કર્યું હતું. કારણ કે, કેટલાય સમયથી મોડાસા હિંમતનગર હાઈવે બિસ્માર બન્યો છે. એટલું જ નહીં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે, જોકે, ગોકળગતિએ ચાલતા, કામને લઇને આવતા-જતાં વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
વરસાદ પછી રાજ્યના વિવિધ વિસ્તારોમાં સરકારે રોડ બાબતે ગંભીરતા દાખવી છે, છતાં અરવલ્લીમાં રોડના ખાડા પુરવા માટે કોઈને રસ નથી.. લોકચર્ચાઓ તો એવી પણ ચાલી કે, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રને જનતાની કોઈ જ પડી નથી. જો પ્રજાની ચિંતા કરવામાં આવતી હોત, તો આવા અદભૂત ખાડા ક્યારનાય પુરાયા હોત.