અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી નાની-મોટી બબાલો થવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે મોડાસાના નવજીવન ચોક નજીક વેપારીઓ અને લારી ચાલકો વચ્ચે બોલાચાલી થતાં, લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા, જેને લઇને પોલિસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
બુધવારના દિવસે સવારના અરસામાં રોડની બાજુમાં રોજિંદા લારી ચાલકો નિયત સમયે લારી લગાવી હતી, આ સમય દરમિયાન દુકાનદારો અને લારી ચાલકો વચ્ચે કોઈ કારણોસર લારી સાઈડ કરવા બાબતે બોલાચાલી થઈ હતી. મામલો બિચક્યો હતો અને સામસામો શબ્દબાણ ચાલતા, લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ચાર રસ્તા પોલિસ ચોકીની ટીમ દોડી આવી હતી, ત્યારબાદ મોબાઈલ વાન પણ આવી પહોંચી હતી, અને લોકોને સમજાવવીને મામલો થાળે પાડ્યો હતો.
મોડાસા ચાર રસ્તા થી બસ સ્ટેશન વિસ્તારમાં ઘણાં સમયથી રસ્તા વચ્ચે લારી ચાલકો ઊભા રહેતા હોય છે, જેને લઇને ટ્રાફિકની સમસ્યા છાશવારે સર્જાતી હોય છે, પણ પોલિસ કોઈ ઘટના સર્જાય ત્યારે જ કાર્યવાહી કરતી હોય છે. થોડા મહિના અગાઉ બસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની છેડતી થવાની ઘટના ઘટી હતી, ત્યારબાદ કે.ડી.ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરતા, એક મહિનો લારી ચાલકો રસ્તાની નીચે ઉભા રહેતા હતા, જેથી ટ્રાફિક સર્જાવાની સમસ્યા નહિંવત હતા, પણ હવે સ્થિતિ જૈસે સ્થે જોવા મળી રહી છે.