મહિલાઓ સંબંધિત કાયદાઓમાં ઘણી વખત મહિલાઓ દ્વારા તેનો દુરુપયોગ કરાતો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા દિવસ પહેલા પોતાની પત્ની અને સાસરિયા દ્વારા હેરાન-પરેશાન કરવાના મામલે બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા પહેલા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. આ પછી અતુલ સુભાષ આત્મહત્યા કેસ ઘણો ચર્ચામાં રહ્યો. જ્યારે હવે સુરત અને રાજકોટમાં પત્ની પીડિત પુરુષોએ શહેરમાં પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો.
‘મર્દને પણ દર્દ થાય છે’
મળતી માહિતી મુજબ, સુરત શહેરના અઠવા લાઈન્સ સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષોએ બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને વિરોધ પ્રદર્શન કરવાની સાથે વિવિધ માંગણી કરી હતી. ‘મર્દને પણ દર્દ થાય છે, મેન નોટ એટીએમ…’ સહિતના વિવિધ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા પત્ની પીડિત પુરુષોની માગ છે કે, ‘પુરુષો માટે એક કમિશનની રચના કરવામાં આવે અને છૂટાછેડાના કેસમાં ઘણી વખત મહિલાઓ કોર્ટમાં ખોટા કેસ કરે છે, ન્યાયપ્રક્રિયામાં મહિલાઓને સજા કરવાની કોઈ જોગવાઈ નથી?’
રાજકોટમાં પત્ની પીડિતોનો રોષ
રાજકોટમાં પણ પત્ની પીડિત પુરુષોએ મહિલાઓના કાયદાનો દુરુપયોગનો વિરોધ કર્યો હતો. પત્ની પીડિત પતિએ કહ્યું હતું કે, ‘મહિલાએ અગાઉ પણ લગ્ન કરીને છૂટાછેડા લીધા અને પછી તેના પિતા કોર્ટમાં જાય અને વકીલ દ્વારા ભરણપોષણનો દાવો કરે… આમ પત્ની અવારનવાર પતિઓ બદલવાનો ધંધો કરે છે…’