રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓની ખેલ પ્રત્યે રૂચિ વધે તે માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી, હવે ધીરે-ખેલાડીઓ વિવિધ રમત પ્રત્યે આગળ વધી રહ્યા છે. આ વર્ષે શરૂ થયેલી ખેલ મહાકુંભ 3.0 માં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે, ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે મોડાસા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત હેંડ બોલ સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. મોડાસા ખાતે યોજાયેલી હેંડ બોલ ટુર્નામેન્ટમાં 20 વધારે ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
મોડાસા ની શ્રી.સી.જી. બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત, હેંડ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ રમતને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે ટોસ ઉછાળી શરૂઆત કરાવી હતી. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા તેઓ મેદાનમાં પહોંચ્યા હતા, તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી, મોડાસા નગર પાલિકા પ્રમુખ સહિત મંડળના હોદ્દેદારો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને રમત ગમત વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા રમત ગમત અધિકારી પ્રકાશ કલાસવાના માર્ગદર્શન હેઠળ તમામ કોચ અને ખેલાડીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.