ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસાની વર્ષ 2022/23 તથા 2023/24ની વાર્ષિક જનરલ સભા ઊમિયા મંદિરના હોલમાં યોજાઈ. જેમાં અધ્યક્ષ સ્થાને રેડક્રોસના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક સાહેબ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તથા વાર્ષિક હિસાબોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ સંજય કેશવાલા સાહેબ (ASP અરવલ્લી), હેમલતાબેન પટેલ (સરપંચ ધનસુરા), દિનેશભાઇ પટેલ (પ્રમુખ ઊમિયા મંદિર) વગેરે મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું રેડક્રોસ દ્ધારા શાલ અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેરમેન ભરતભાઈ પરમાર દ્ધારા પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો તથા રેડક્રોસની વિવિધ કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી તથા આગામી સમયમાં નવી સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવા અને તમામ સભાસદોને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. જનરલ સભામાં કારોબારી સભ્ય જીતેન્દ્રભાઈ અમીનએ ગત જનરલ સભાનું પ્રોસેડિંગ વંચાણે લીધું હતું. ત્યારબાદ ટ્રેઝરર વિઠ્ઠલભાઈ પટેલએ વર્ષ 2022/23 અને 2023/24ના વાર્ષિક હિસાબો વંચાણે લીધા હતા. જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
રેડક્રોસ દ્ધારા તાલુકાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્ધારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ રેડક્રોસની ધનસુરા તાલુકા શાખા, માલપુર તાલુકા શાખા, બાયડ તાલુકા શાખા, મેઘરજ તાલુકા શાખા તથા ભિલોડા તાલુકા શાખાને મહેમાનોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરી કામગીરીને બિરદાવવામાં આવી હતી. તાલુકા શાખાના હોદ્દેદારોએ હાજર રહી સન્માન સ્વીકાર્યું હતું તથા આભાર પ્રગટ કર્યો હતો. ઉપરાંત સરપંચ – ધનસુરા ગ્રામ પંચાયત દ્ધારા રેડક્રોસ ધનસુરાને સતત સાથ સહકાર આપી સરકારી મકાન અપાવવા બદલ સ્પેશિયલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રેડક્રોસના કર્મઠ અને નિષ્ઠાવાન કર્મચારીઓની પણ અમૂલ્ય સેવાઓ બિરદાવતા પ્રત્યેકને 5,111/- રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ સફાઈ કર્મચારીનું પણ શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. મંચસ્થ મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપતા રેડક્રોસની વિશિષ્ટ કામગીરી બિરદાવી હતી તથા સતત સાથ સહકાર આપવા જણાવ્યુ હતું. આ પ્રસંગે રેડક્રોસના કારોબારી સભ્યઓ અરવિંદભાઇ શ્રીમાળી, વનિતાબેન પટેલ, કનુભાઈ પટેલ, તાલુકા શાખાના હોદ્દેદારઓ, ઊમિયા મંદિરના હોદ્દેદારો, રેડક્રોસના આજીવન સભ્યો, સ્ટાફગણ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રભાઈ પંડ્યા અને અરવિંદભાઇ શ્રીમાળીએ કર્યું હતું. કાર્યક્રમનું આભાર દર્શન સેક્રેટરી રાકેશભાઈ જોષીએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગીત ગાઈ ભોજન બાદ કાર્યક્રમ સમાપ્ત થયો હતો.