27.3 C
Gujarat
Wednesday, July 22, 2026
Home ગુજરાત સાબરકાંઠા: ચોમાસાના વિલંબથી ખેડૂતોની ચિંતા વધી, ડાંગર-કપાસ-મગફળીના પાક પર સંકટના વાદળ

સાબરકાંઠા: ચોમાસાના વિલંબથી ખેડૂતોની ચિંતા વધી, ડાંગર-કપાસ-મગફળીના પાક પર સંકટના વાદળ

0
55

ઈશાન પરમાર, સાબરકાંઠા
સાબરકાંઠા: ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થઈ રહેલા વિલંબના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. સામાન્ય રીતે જૂનના અંત સુધીમાં ચોમાસું સક્રિય થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી નોંધપાત્ર વરસાદ ન વરસતાં ખેતી આધારિત વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે. હવામાન નિષ્ણાતો અલ નીનોની અસરને વરસાદમાં વિલંબનું એક કારણ માની રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત હોવાથી અહીંના મોટાભાગના ખેડૂતો ચોમાસા પર નિર્ભર છે. જિલ્લામાં કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર, બાજરી, શાકભાજી અને ઘાસચારાનું મોટા પાયે વાવેતર થાય છે. પરંતુ પૂરતો વરસાદ ન પડતાં અનેક ખેડૂતો હજુ પણ વાવેતર કરી શક્યા નથી અને આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. જે ખેડૂતો પાસે કૂવા અથવા બોરવેલમાં પાણી ઉપલબ્ધ છે તેઓએ મર્યાદિત વિસ્તારમાં વાવેતર શરૂ કર્યું છે. જોકે, વરસાદના અભાવે તેઓ પણ ચિંતિત છે, કારણ કે લાંબા સમય સુધી માત્ર ભૂગર્ભ જળના આધારે ખેતી કરવી મુશ્કેલ બની શકે છે.

ખાસ કરીને ડાંગર જેવા પાકને વધુ પાણીની જરૂરિયાત રહેતી હોવાથી ડાંગરનું વાવેતર કરતા ખેડૂતો સૌથી વધુ મૂંઝવણમાં મુકાયા છે. બીજી તરફ કપાસ અને મગફળી જેવા પાકમાં પણ સમયસર વરસાદ ન મળવાથી ઉત્પાદન પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં કેટલાક ખેડૂતો પાક બચાવવા માટે ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિનો સહારો લઈ રહ્યા છે. જોકે, દરેક ખેડૂત પાસે આવી સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે વરસાદ પર નિર્ભર ખેડૂતો માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે, તો વાવેતર વધુ પાછળ ધકેલાશે અને તેની સીધી અસર ઉત્પાદન તેમજ ખેડૂતોની આવક પર પડશે. હાલ સમગ્ર જિલ્લાનો ખેડૂત વર્ગ મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!