ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સમગ્ર રાજયવ્યાપી ચલાવવામાં આવી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હિંમતનગર એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક કે.સી. બારોટની રાહબરી હેઠળ ભિલોડા એસ.ટી. બસ ડેપો ખાતે વિશેષ સફાઈ અભિયાન અને કર્મચારીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. સમગ્રકાર્યક્રમની શરૂઆત દરમિયાન ભિલોડા એસ.ટી. બસ ડેપો પરિસરમાં સઘન સફાઈ અભિયાનથી થઈ હતી.એસ.ટી. બસ ડેપોના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાઈને એસ.ટી. બસ સ્ટેશન પરિસર, પ્લેટફોર્મ અને એસ.ટી. બસોની સફાઈ કરી સ્વચ્છતાનો શુભ સંદેશો આપ્યો હતો.
આ અભિયાનની સાથે-સાથે એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર સહિત કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું.મોટી સંખ્યામાં કર્મચારીઓએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. સેવાકીય અને સફાઈ કાર્યક્રમમાં ભિલોડા એસ.ટી. બસ ડેપો મેનેજર એસ.ડી. સુથાર, એ.ટી.આઈ. શંકરભાઈ પટેલ, પ્રદિપભાઈ પ્રજાપતિ, રાજેન્દ્રસિંહ ચંપાવત તેમજ એસ.ટી. નિગમના ત્રણેય યુનિયન અને સંગઠનોના હોદ્દેદારો અને એસ.ટી. બસ ડેપોના અન્ય વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.





