181 અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓની મદદ અર્થે રાત દિવસ કાર્યરત રહે છે અરવલ્લી જીલ્લા 181 અભયમ હેલ્પલાઈનની ટીમ મહિલાઓ દિવાળી પર્વમાં પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે અને કોઈ અડચણ પેદા ન થાય તેવા ઉમદા હેતુ સાથે કામગીરી કરી રહી છે ત્યારે ધનસુરાના ગ્રામ્ય પંથકમાં શહેરમાંથી વતનમાં દિવાળી પર્વની ઉજવણી માટે આવેલ યુવક દારૂના નશામાં બેફામ બની નિર્વસ્ત્ર થઇ મહિલાઓ સામે અશોભનીય વર્તન કરતા 181 અભયમની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી દારૂના નશામાં ભાન ભૂલેલા યુવક અને તેના પરિવારની દિવાળી ન બગડે તે માટે સમજાવવા અથાગ પ્રયત્ન કર્યા છતાં દારૂડિયા યુવકે ગામ માથે લેતા પરિવાર અને ગામની મહિલાઓ નિર્ભય રીતે તહેવાર ની ઉજવણી કરી શકે તે માટે આખરે ધનસુરા પોલીસને સોંપી દીધો હતો
અરવલ્લી 181 અભયમ હેલ્પલાઈન ટીમના કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમને ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત મહિલાએ સંપર્ક કરી પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી માટે શહેરમાંથી વતનમાં
આવેલ યુવક દારૂના નશામાં ચકનાચૂર બની બિભસ્ત ગાળો બોલવાની સાથે જાહેરમાં કપડાં કાઢી નાખી અશોભનીય વર્તન કરી ગામ માથે લેતા ગામમાં રહેતી મહિલાઓ દિવાળી જેવા પર્વની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવાના બદલે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હોવાનું અને ઘરની બહાર પણ નીકળવાનું મુશ્કેલ બન્યું હોવાનું જણાવતા 181 અભયમ હેલ્પલાઈન ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી
ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ પર પહોંચેલી 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સિલર ચેતના ચૌધરીએ દિવાળી પર્વમાં પુત્રની દારૂના નશામાં અશોભનીય વર્તનથી વિકટ પરિસ્થિતિમાં મુકાયેલ પરિવાર અને ગ્રામજનો શાંતિપૂર્ણ રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે દારૂડિયા યુવકને સમજાવવા પ્રયત્ન હાથધરી દારૂનો નશો ઉતારવા ઠંડુ પાણી માથા પર રેડ્યા છતાં દારૂડિયાનું વર્તન બેફામ રહેતા છેવટે 181 અભયમ હેલ્પલાઈન ટીમે ધનસુરા પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી દારૂડિયા યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દેતા ગામની મહિલાઓ સહીત ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને દારૂના નશામાં દંગલ કરનાર યુવકથી મુક્તિ મળતા ગામની મહિલાઓ અને ગ્રામજનોએ 181 અભયમ ટીમની કામગીરીની સરાહના કરી હતી