વડોદરા જિલ્લાના નારેશ્વર પાસે નર્મદા નદીના કિનારે આવેલા પુનિત આશ્રમમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવીર સંચાલકો અશોક વાડેકર, નિસર્ગભાઈ, પ્રકાશભાઈ દ્વારા ત્રણ દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેળવણીકાર અને લેખક ડોક્ટર સંતોષ દેવકરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી બાળકનો પિંડ બંધાતો નથી, ત્યાં સુધી ભણાવવામાં આવેલો તમામ અક્ષર નિરર્થક બને છે. બાળકના ભણતરમાં મુખ્ય વસ્તુ ઘડતરની છે. જો બાળક નું ઘડતર સાચી રીતે, સાચી દિશામાં થયું હોય તો પછી કોઈપણ વિષય કે મુદ્દો એને અઘરો જણાતો નથી. પવિત્ર નર્મદા નદીને કિનારે ખુલ્લા આસમાન નીચે વૃક્ષોના સાનિધ્યમાં આ વક્તવ્ય ગોઠવાયું હતું. જેથી સમગ્ર વાતાવરણ ખૂબ જ પ્રફુલ્લિત અને પ્રસન્નતા સરીખું ભાસતું હતું. સાત વર્ષ સુધીના બાળકનું ઘડતર જો નિસર્ગ, નદી, પર્વત અને દરિયાના સનિધ્યમાં ભૂમિના સ્પર્શ સાથે થાય તે આ શિબિરનો હેતુ હતો.
આ શિબિરમાં ભાગ લેવા માટે વલસાડ, વાપી, ડાંગ, સુરત, રાજકોટ પોરબંદર, વડોદરા અને અમદાવાદ વગેરે સ્થળોએથી વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.સંતોષ દેવકરે શિક્ષણના મુદ્દાઓ અને આજે પ્રસ્તુત નવી શિક્ષણ નીતિ ના સંદર્ભમાં ભણતર અને ઘડતર વિશેનો નુતન ખ્યાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા તેમની કાલીઘેલી છતાં વિશિષ્ટ શૈલીમાં કરવામાં આવ્યું હતું. આવી શિબીરો વારંવાર ગોઠવાય અને વિદ્વાનોના વક્તવ્યોનો અવારનવાર લાભ મળે, તેમ વાલીઓનો સુર સંભળાતો હતો. બાલમંદિર અને શાળામાં અપાતા ઔપચારિક શિક્ષણ કરતાં કુદરતી સાનિધ્યમાં અપાયેલું આ શિક્ષણ ચીરસ્થાયી બને છે અને બાળકોને મજા આવે છે તેમ વાલીઓએ જણાવ્યું હતું.