વર્ષ 2023નો આખરી દિવસ ઓઢા ગામના યુવાનો માટે ગોઝારો સાબિત થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ ઓઢા ગામથી બે ભાઈઓ બાઈક પર રવિવારે સાંજે સાઠંબા તરફ જઈ રહ્યા હતા ત્યારે વૃંદાવન ક્વાૅરી નજીક સાઠંબા તરફથી પુરપાટ ઝડપે માતેલા સાંઢની જેમ આવી રહેલા પીકપ ડાલાએ બાઈક ચાલકને રોંગ સાઈડએ જઈ જોરદાર ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું હતું. જ્યારે બાઈક પર સવાર અન્ય યુવકને શારીરિક ઇજાઓ પહોંચવા પામી હતી. અકસ્માત સર્જીને પીકઅપ ડાલાનો ચાલક ડાલુ મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ઓઢા ગામના વિક્રમભાઈ મનહરભાઇ પરમાર અને તેમના ભાઈ માનસિંહ મનહરભાઇ પરમાર રવિવારે સાંજે સાત વાગ્યા પછીના સમયે કોઈ કામ અર્થે સાઠંબા તરફ જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન વ્રુંદાવન ક્વાૅરી નજીક સાઠંબા તરફથી પુરપાટ ઝડપે માતેલા સાંઢની જેમ આવી રહેલા મહિન્દ્રા કંપનીના પીકઅપ ડાલા નં. જી.જે.17.ટી.ટી.9755. ના ચાલકે ભાન ભુલી રોંગસાઈડે જઈ સામે આવી રહેલા હિરો સ્પેન્ડલર બાઈક નં. જી.જે.09.સી.પી.1340.ને જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર બંને યુવકો પૈકી વિક્રમભાઈ મનહરભાઇ પરમાર ઉં.વ.19.રહે.ઓઢા.તા.બાયડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજી જવા પામ્યું હતું. જ્યારે બાઈક પર સવાર બીજા યુવક માનસિંહ મનહરભાઇ પરમારને પણ ગંભીર શારીરિક ઈજાઓ પહોંચવા પામી હતી.
અકસ્માતની જાણ સાઠંબા પોલીસને મરનાર યુવાનના પિતા મનહરભાઇ સુરાભાઈ પરમાર રહે. ઓઢાએ કરતાં સાઠંબા પોલીસ મથકના પીએસઆઈ આર બી રાજપુત અને સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જી ફરાર પીકઅપ ડાલાના ચાલકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.