અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનનો સ્નેહ મિલન કાર્યક્રમ મોડાસા ખાતે યોજાઈ ગયો. અરવલ્લી જિલ્લા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એ. એન .અંજારિયા ના અધ્યક્ષ સ્થાન અને અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશન પ્રમુખ ઘનશ્યામ પટેલની આગેવાનીમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં, તમામ કર્મચારીઓ અને વકીલોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
અરવલ્લી બાર એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે, એક જ જગ્યાએ તમામ વકીલ મિત્રો મળી શકે. આ સાથે જ બાર અને બેન્ચ વચ્ચે સુમેળ બની રહે, તેવા આશય સાથે એક નાનો પ્રયાસ હાથ ધરાયો હતો. અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનનો એક એવો પણ પ્રયાસ હતો કે, અરવલ્લી જિલ્લાની પ્રજાને ઝડપી ન્યાય મળી રહે, અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, તે માટે પણ ચર્ચા કરાઈ હતી.
અરવલ્લી જિલ્લા કોર્ટ પરિસરમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં, અરવલ્લી ડિસ્ટ્રિક્ટ જજ, જિલ્લા ફેમિલી કોર્ટ અને જ્યુડિશિયલી કોર્ટના તમામ ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ અરવલ્લી જિલ્લાના મોડાસા, ધનસુરા, માલપુર બાયડ અને ભિલોડા બારના હોદ્દેદારો મળી 300 વકીલો સાથે સરકારી વકીલોની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન થયો હતો.