ગોધરા,
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડ, પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોની ઉપસ્થિતીમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ૪૭ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો અને પદવીઓ તથા ૭૦ પીએચડી ના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી.
આચાર્ય દેવવ્રતે સુવર્ણ ચંદ્રક વિજેતા અને પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવીને આજના દીક્ષાંત સમારોહના દિવસને વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુનિર્વિસટી સહિત સૌની માટે ગૌરવનો દિવસ ગણાવ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજે તમે શૈક્ષણિક પરીક્ષા પાસ કરીને જીવનની અન્ય પરીક્ષાઓ તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છો ત્યારે તમારાથી જોડાયેલી સૌની અપેક્ષાઓ પણ વધશે. તમે શિક્ષિત થયા છો તેનો મતલબ કે તમે જવાબદાર થયા છો. જવાબદાર થયા છો તેનો અર્થ કે તમને તમારા કર્મની સમજ આવી છે. પોતાના માતાપિતા અને ગુરુના આદર ભાવ રાખવાથી કર્મની ખરી સમજણની શરૂઆત થાય છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણે સૌનો આવકાર કરી પદવીધારકોને શુભેચ્છાઓ પાઠવી હતી તથા યુનિવર્સિટીએ છેલ્લા ૦૬ વર્ષમાં મેળવેલી સિદ્ધિઓનો ચિતાર રજુ કર્યો હતો. કાર્યક્રમના અંતમાં કુલસચિવ અનિલભાઇ સોલંકીએ આભાર વિધિ કરી હતી. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ૪૭ સુવર્ણચંદ્રક તથા ૭૦ વિદ્યાર્થીઓને પીએચડી ની પદવી તેમજ કુલ ૧૭૧૮૬ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓ અંતગર્ત પદવીઓ એનાયત કરવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટીને ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં સંપૂર્ણ નિષ્ઠા સાથે શ્રેષ્ઠ પરિણામ આપનાર અને મહત્વની ભૂમિકા ભજવનાર એન.કે.ઓઝા નું મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, અગ્રણીઓ, પદાધિકારીઓ, વિવિધ વિદ્યાશાખાના ડીન, યુનિવર્સિટી સાથે સંલ્ગન કોલેજોના આચાર્યઓ, પ્રાધ્યાપકો, સુવર્ણ ચંદ્રક વિજેતા અને પદવીધારક વિદ્યાર્થીઓ સહિત વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.