ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક હવસખોરે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડતાં અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે.
માસૂમ ઝાડીમાંથી લોહી લુહાણ હાલતમાં મળી
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાતિય શ્રમિક પરિવાર ઝઘડિયા GIDCમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. જેમની અંદાજીત 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહી લુહાણ હાલતમાં મળી આવતા માતાના પર તળેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
અંકલેશ્વર અને ભરૂચ બાદ વડોદરા ખસેડાઇ
આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા વ્યક્તિએ અમાનુષી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે જેના પગલે તેને તાત્કાલીક ઓપરેશન થિયેટરમાં લઈ સારવાર હાથ ધરાઈ હતી. જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવી છે.
પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા: DySP
આ ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જેમણે ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે, ઝઘડિયા GIDCમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે. તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે. હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને હવસખોર આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે