અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે. મોડાસા નગર પાલિકા વિસ્તારમાં રખડતા શ્વાનના કરડવાની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે, જોકે મોડાસા નગર પાલિકાની ટીમની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. મોડાસા ચાર રસ્તા સ્ટેટ બેંક નજીક બે દિવસમાં ત્રણ થી ચાર વ્યક્તિઓને રખડતા શ્વાને બચકા ભર્યાની ઘટના સામે આવી છે.
બુધવારના દિવસે ભાનાભાઈ પરમાર સ્ટેટ બેંકમાં કોઈ કારણોસર આવ્યા હતા, જ્યાં આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાને બચકા ભર્યા હતા, જેને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ બેંક ચાર રસ્તા શાખા નજીક ના વિસ્તારમાં બે થી ત્રણ રખડતા શ્વાન ફરી રહ્યા છે, જે હડકાયા થયા હોવાની માહિતી મળી છે, જે આવતા જતાં લોકોને બચકા ભરતા, લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બુધવારના દિવસે વયોવૃદ્ધ નાગરિકના પગના ભાગે રખડતા શ્વાને બચકા ભર્યા હતા, સદભાગ્યે, લોકો દોડી આવ્યા હતા, જેને કારણે શ્વાન ને ખદેડી મુક્યા હતા.
મોડાસા નગર પાલિકા દ્વારા રખડતા શ્વાનને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે, જોકે આ કામગીરી ક્યાં ચાલે છે, તે યક્ષ પ્રશ્ન છે. હાલ તો મોડાસા ચાર રસ્તા સ્ટેટ બેંક નજીકના વિસ્તારમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાને લઇને અહીંથી પસાર થતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. પાલિકા દ્વારા રખડતા અને હડકાયા થયેલા શ્વાનને પકડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.