હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી હતી. શનિવારના દિવસે મોડી રાત્રે ઉત્તર ગુજરતના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાયું હતું તો રવિવારના દિવસે વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ચાલુ વર્ષે શિયાળો અને ઉનાળો એ માવઠાનો મહિનો હોય તેવું સ્પષ્ટ લાગ્યું, ખેડૂતોનો શિયાળુ પાક પલડી ગયો અને હવે ઉનાળું પાક પણ માવઠું બગાડશે તે વાતને નકારી ન શકાય. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં શનિવાર મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો, ભારે પવન ફૂંકાતા અફરા – તફરી નો માહોલ સર્જાયો હતો, ભારે પવન ફૂંકાવાને કારણે લોકો પણ ભયભીત થયા હતા. રવિવારના દિવસે વહેલી સવારે ભારે પવન સાથે માવઠું થતાં ખેડૂતોની ચિંતા ફરીથી વધી છે. ગાજવીજ સાથે ભર ચોમાસે વરસાદ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, બાયડ સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. માલપુરના રસ્તાઓ પર પાણી ફરી મળ્યા હતા તો મોડાસા શામળાજી હાઈવે પર વિઝિબિલિટી નહિંવત થતાં વાહન ચાલકોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો.