ફરી એકવાર કરોડો ભારતીય ચાહકોના સપના ચકનાચૂર થઈ ગયા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયાનું આ છઠ્ઠું ODI વર્લ્ડ કપ ટાઇટલ હતું. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 241 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં મેચ જીતી લીધી હતી. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ સહિત ત્રણેય વિભાગોમાં શાનદાર હતું.
ઓપનર ટ્રેવિસ હેડ અને પાંચમા નંબરના માર્નસ લાબુશેનની જોડીએ ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. બંને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે 192 રનની ભાગીદારી કરી હતી, જેની સામે તમામ ભારતીય બોલરો નિષ્ફળ રહ્યા હતા. હેડે સદી ફટકારી હતી અને લાબુશેને અડધી સદી ફટકારી હતી. બંને બેટ્સમેનોએ સમજદારીપૂર્વક ઈનિંગને આગળ વધારી અને કાંગારૂ ટીમને જીત તરફ દોરી ગયા.