ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા આપવામાં આવેલા મોંઘવારીના વિરોધમાં ઠેર-ઠેર કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ દેખાવો કરાયા હતા, જોકે બીજી બાજુ કોંગ્રેસનો ગઢ ગણાતા એવા અરવલ્લી જિલ્લામાં રણનીતિનો અભાવ જોવા મળતા બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લાના મેઘરજ, બાયડ, ધનસુરા અને માલપુરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો મોડાસા શહેરમાં બંધનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. ભિલોડામાં વેપારીઓએ સજ્જડ બંધ પાડી મોંઘવારીનો વિરોદ કર્યો હતો.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં બંધ માટે વેપારીઓને અનુરોધ કર્યો હતો જોકે મોડાસા એ કોંગ્રેસનો ગઢ હોવા છતાં બંધનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. સ્થાનિક નેતાઓની રણનીતિનો અભાવ અહીં સ્પષ્ટ જોવા મળી રહી હોય તેવું લાગે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો રાબેતામુજબ જ ચાલુ હતી પણ કોંગ્રેસના આગેવાનો નિકળે તે પહેલા જ પોલિસે અટકાય કરી લીધી હતી.
તો બીજી બાજુ ભિલોડા પંથકમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો. વેપારીઓએ મોંઘવારીનો વિરોધ કરીને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધનું સમર્થન કર્યું હતું. અહીં કોઇ નેતા ન હોવા છતાં વેપારીઓ બંધમાં જોડાયા હતા તો મેઘરજ, માલપુર, બાયડ અને ધનસુરામાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં મોડાસાની બેઠક પર સ્થાનિક નેતાઓની નારાજગી સામે આવી રહી છે. વર્તમાન ધારાસભ્યની કામગીરીથી કાર્યકરોમાં છૂપી નારાજગી દેખાઈ રહી છે, માટે જ મોડાસામાં બંધનો ફિયાસ્કો થયો હોય તેવું પણ લાગી રહ્યું છે. એ વાતો પણ હવે કાર્યકરોમાં ચાલી રહી છે કે, રણનીતિનો અભાવ તેમજ ધારસભ્ય અને કાર્યકરો વચ્ચે તાલમેલના અભાવે મોડાસા બેઠક કોંગ્રેસ ગુમાવી તો નહીં દે ને..?