મેરા ગુજરાત, દ્વારકા, ડાકોર અને શામળાજી
સમગ્ર રાજ્યમાં હોળી-ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર અને શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. રાજ્યના ત્રણેય કૃષ્ણ મંદિરોમાં ભક્તો કાન્હા સાથે ધુળેટીના પર્વની ઉજવણી કરવા વહેલી સવારથી જ પહોંચ્યા હતા અને રંગોના પર્વની ઉજવણી કરી કાન્હાના રંગે રંગાયા હતા.
સૌરાષ્ટ્રનું સૌથી મોટું કૃષ્ણ મંદિર દ્વારકા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, જ્યાં ફુલડોલોત્સવ ની ઉજવણીમાં ભક્તો કાન્હાના ભક્તિરસમાં લીન થયા હતા. આગલા દિવસે ફાગણ સુદ પૂનમે ભક્તો લાખોની સંખ્યામાં પદયાત્રા કરીને ડાકોર પહોંચ્યા હતા, જ્યાં પવિત્ર ગોમતી સ્નાન કરીને 56 સીડી ચઢી દ્વારકાનાથના દર્શન કરીને ધન્યાતા અનુભવી હતી.
તો ડાકોર ખાતે પણ ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા, જ્યાં મંગળા આરતીનો લ્હાવો લીધો હતો. જુઓ ડાકોરના ઠાકોરની મંગળા આરતી..
તો યાત્રાધામ શામળાજી મંદિર ખાતે પણ ભગવાન શામળિયાને કેસૂડાના રંગથી રંગવામાં આવ્યા હતા, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો કાન્હાના દર્શન કરવા માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા હતા, મંદિર પૂજારી દ્વારા કાન્હાના ભક્તોને પણ કેસૂડાનો રંગ છાંટવામાં આવ્યો હતો. જુઓ શામળાજીમાં કેવી રીતે ભગવાનને રંગ કરાયો..