અરવલ્લી જિલ્લામાં ફરીથી હવામાન વિભાગ કરેલી આગાહીની અસર જોવા મળી હતી. જિલ્લાના મોડાસા, માલપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
માલપુર અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારના રોજ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને એકાએક વરસાદની શરૂઆત થઈ હતી. અરવલ્લી જિલ્લામાં ફરીથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો. અગાઉ કમોસમી વરસાદ બાદ ખેડૂતોને ઘઉં કપાસના પાકમાં નુકસાન થયું હતું, જેમાં મોડાસા તાલુકાના શામળાજી રોડ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો તેમજ મેઘરજ સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ઘઉં તેમજ તરબૂચના પાકને નુકસાન થયું હતું. હવે ખેડૂતોએ ઉનાળાનું વાવેતર કરી દીધું છે ત્યારે ખેડૂતોને મકાઈ, જુવાર અને બાજરી જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
મોડાસા શહેરી વિસ્તારમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને દિવસ દરમિયાન હળવો વરસાદ થયો હતો.