9 એપ્રિલના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા સમગ્ર રાજ્યમાં યોજાનાર છે, આ વખતે પરીક્ષા કેન્દ્રો સ્થાનિક જિલ્લા ની જગ્યાએ અન્ય જિલ્લાઓમાં ફાળવાયા છે જેથી દૂર દૂર સુધી ઉમેદવારોને પરીક્ષા આપવા માટે જવું પડ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં બનાસકાંઠા સહિતના જિલ્લાઓમ માંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો માટે રહેવા, જમવા અને રોકાવાની વ્યવસ્થા મોડાસાના ઉમિયા મંદિરે કરાઈ હતી.
અરવલ્લી જિલ્લામાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને મોડાસા મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા, મોડી સાંજે અને રાત્રે પહોંચેલા ઉમેદવારોને મોડાસાના ઉમિયા મંદિર રહેવા, જમવા અને રોકાવા માટેની સગવળ મંદિર ટ્રસ્ટ અને પૂજારીના સહયોગથી પુરી પાડવામાં આવી હતી. મોડાસા ખાતે 53 કેન્દ્રો ખાતે આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે ત્યારે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પરીક્ષા આપવા માટે ઉમેદવારો પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, અરવલ્લી જિલ્લામાં આવા ઉમેદવારો ની મદદ માટે વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ આગળ આવી છે ત્યારે ઉમિયા મંદિર ટ્રસ્ટ અને મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી દ્વારા વિશેષ આયોજન કરીને પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.