રાજ્ય આરોગ્ય વિભાગના મંત્રી ઋષિકેશ પટેલની રાજ્યના દર્દીઓ , તેમના સ્વજનો, અંગદાતા પરિવારજનો અને બાળકો માટેની સંવેદનાના અનેક કિસ્સા આપણને જોવા મળ્યાં છે. શાસકની સંવેદના દર્શાવતો વધુ એક કિસ્સો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્યમંત્રીની મુલાકાત વેળાએ જોવા મળ્યો હતો.
લોકસેવાને શાસનનું હાર્દ બનાવીને જન સેવામાં સેવારત મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારના આરોગ્ય મંત્રીએ જાતે દર્દીઓના સ્વજનોને ભોજન પીરસીને સેવાનો આનંદ માણ્યો હતો.
બન્યુ એવું કે, કોરોનાની મોકડ્રીલ સંદર્ભે આરોગ્ય મંત્રી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા હતા.આ દરમિયાન તેમણે હોસ્પિટલમાં નિર્માણાધીન વિવિધ વિકાસ કાર્યોનું પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. આ સ્થળ નિરીક્ષણ વખતે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે દર્દીઓ અને તેમના સ્વજનોના હિતાર્થે કાર્યરત બનેલ આહાર કેન્દ્રની પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી.
આહાર કેન્દ્રની મુલાકાત વેળાએ તેઓએ ભોજનનો આસ્વાદ માણી રહેલા દર્દીઓના પરિજનો અને હોસ્પિટલ સ્ટાફ સાથે સંવાદ પણ સાધ્યો હતો. આ સંવાદ બાદ આરોગ્યમંત્રીએ દર્દીઓના સ્વજનોને ખુદ આહાર કેન્દ્રમાં ભોજન પીરસીને માનવ સેવા એજ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરૂ પાડ્યું હતુ.