ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેની મોક ડ્રીલ માં ઓક્સિજન પ્લાન્ટ ,વેન્ટિલેટર, બેડની ઉપલબ્ધતા, દવાના જથ્થા સહિતની તમામ સુવિધાઓનુ મંત્રીએ જાત નિરીક્ષણ કર્યું
બે દિવસીય કોવિડ મોકડ્રીલ દરમિયાન કોઈપણ ત્રુટી જણાતા તેનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
•રાજ્યના 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1475 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,365 સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત સરકારી સિવિલ હોસ્પિટલ અને શહેર તેમજ ગ્રામ્ય સ્તરની ખાનગી હોસ્પીટલોમાં બે દિવસીય મોકડ્રીલ દરમિયાન વ્યવસ્થાઓની ચકાસણી
•રાજ્યમાં કોવિડ-19 અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 3 હજાર થી વધુ બેડ ઉપલબ્ધ : જે પૈકી 15 હજાર જેટલા આઇ.સી.યુ. અને 9700 જેટલા વેન્ટીલેટર બેડ
•રાજ્યમાં 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને 476 પી.એસ.એ. પ્લાન્ટ દર્દીઓની સેવાર્થે કાર્યરત
•કોરોના ટેસ્ટીંગ માટે રાજ્યમાં 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરી કાર્યરત. જેની હાલ દૈનિક કુલ ટેસ્ટીંગ ક્ષમતા 1 લાખ 75 હજાર
•કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલ રાજ્યમાં દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે
•RTPCR પોઝીટીવ દર્દીનું જીનોમ સીકવન્સીંગ કરવા માટે ગાંધીનગર ખાતે દર મહીને 4000 થી વધુ ઝીનોમ સીકવન્સીંગ ટેસ્ટ કરવાની ક્ષમતા છે
આ તમામ વ્યવસ્થાઓના પગલે રાજ્યના કોઇપણ નાગરિકે કોરોનાની સારવાર સંદર્ભેની પરિસ્થિતિથી ગભરાવવાની જરૂર નથી – સાવચેતી અને સતર્કતા જરૂરથી રાખીએ
વૈશ્વિક સ્તરે કોવીડ-૧૯ ના કેસો ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા કોવીડ – ૧૯ રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના નેતૃત્વ હેઠળ કોરોના સામેની સજ્જતા અર્થે અગમચેતીના ભાગરૂપે 10 અને 11 મી એપ્રિલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોરોના સામેની સજ્જતાની ચકાસણી અર્થેની મોકડ્રીલમાં સહભાગી બન્યા હતા. એટલું જ નહીં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ નિયંત્રણ માટેની તમામ વ્યવસ્થાઓ, ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર, આઇ.સી.યુ માં બેડની ઉપલબ્ધતા, દવાનો જથ્થો, ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિતની તમામ વ્યવસ્થાઓનું સ્થળ પર જઇને જાત નિરીક્ષણ કરીને સમગ્રતયા પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો હતો.
આરોગ્યમંત્રીએ આ મુલાકાતને પગલે કોરોના સામેની તૈયારીઓ માટેના કેટલાક જરૂરી સૂચનો પણ સંલગ્ન અધિકારીઓ અને હોસ્પિટલ તંત્રને કર્યા હતા.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેના સંવાદમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના નેતૃત્વમાં સમગ્ર દેશમાં તારીખ 10 અને 11 એ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.આ મોકડ્રીલમાં કોરોના સામેની સજ્જતાની ચકાસણી કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ બે દિવસ દરમિયાન રાજ્યના ગ્રામ્ય સ્તરે આરોગ્ય કેન્દ્રો ઉપરાંત રાજ્યની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં મોકડ્રીલ યોજાશે. આ મોકડ્રીલમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા, દવાનો જથ્થો, વેન્ટિલેટર, આઇ.સી.યુ. બેડ સહિત માનવબળની ઉપલબ્ધતા અંગેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
આ દરમિયાન કોઇપણ વ્યવસ્થામાં ત્રુટિ જણાશે તો તેને સત્વરે દૂર કરવા માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે રાજ્ય આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યના 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1475 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,365 સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત સરકારી સિવિલ હોસ્પિટલ અને શહેર તેમજ ગ્રામ્ય સ્તરની ખાનગી હોસ્પીટલોમાં બે દિવસીય મોકડ્રીલ યોજાનાર છે. હાલ રાજ્યમાં કોવિડ-19 અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 3 હજાર થી વધુ બેડ ઉપલબ્ધ છે. જે પૈકી 15 હજાર જેટલા આઇ.સી.યુ. અને 9700 જેટલા વેન્ટીલેટર બેડ ઉપલબ્ધ છે.
રાજ્યમાં 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને 476 પી.એસ.એ. પ્લાન્ટ દર્દીઓની સેવાર્થે કાર્યરત છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલ રાજ્યમાં દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે. રાજ્યમાં કોવિડ-19 માટેના જરૂરી ટેસ્ટીંહગ માટે 207 લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરી છે. જેની હાલ દૈનિક કુલ ટેસ્ટીંગ ક્ષમતા 1 લાખ 75 હજાર જેટલી છે. આર.ટી.પી.સી.આર. પોઝીટીવ દર્દીનું જીનોમ સીકવન્સીંગ કરવા માટે ગાંધાનગર ખાતે દર મહીને 4000 થી વધુ ઝીનોમ સીકવન્સીંગ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. રાજ્ય સરકારે કોવિડના ચોક્સસ મોનીટરીંગ માટે GERMIS સોફ્ટવેર વિકસાવ્યું છે.