અરવલ્લી જિલ્લાના કોઈપણ વિસ્તારમાં આગ લાગવાની ઘટના હોય કે પછી પાણીમાં ડૂબી જવાની ઘટના હોય, મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતી હોય છે અને રેસ્ક્યુ ઓપરેશન કરીને કોઈની જીંદગી બચાવતું હોય છે. એટલું જ નહીં અબોલા જીવને બચાવવા માટે પણ ફાયર વિભાગની ટીમ હંમેશા ખડેપગે રહેતી હોય છે. આવી જ એક ઘટનામાં મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમે મુલોજ પંથકમાં એક કુવામાં પડેલ શ્વાનની નવજીવન આપ્યું.
મોડાસ તાલુકાના નાજરી મુલોજ ગામે અંદાજે 100 ફૂટ ઊંડા કુવામાં એક શ્વાન પડ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જોકે સ્થાનિક લોકો પાસે શ્વાનને બહાર કાઢવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી, જેથી તાત્કાલિક મોડાસા નગર પાલિકા ફાયર વિભાગને કોલ કર્યો હતો. મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમને કોલ મળતા તાબડતોબ મુલોજ ગામે પહોંચી હતી જ્યાં નાગરી મુલોજ ગામે શાળાની પાછળ કુવામાં પડેલ શ્વાનને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપેરશન હાથ ધર્યું હતું, તેમની સાથે મોડાસા જીવદયા ફાઉન્ડેશનની ટીમ પણ મદદમાં હતી. બંન્નેના સંયુક્ત સાહસથી એક અબોલા શ્વાનનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરતા આસપાસના લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને એક અબોલા જીવને નવજીવન મળ્યું હતું.