માળ કંપા પ્રાથમિક શાળામાં ખેત મજૂરોના બાળકો અભ્યાસ કરતા હોવાથી તંત્ર આંખ આડે કાન કરતુ હોવાની શિક્ષણ આલમમાં ચર્ચા
અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનો અંધેર વહીવટ, નવું સત્ર શરૂ થયું પણ માળ કંપા પ્રા.શાળામાં શિક્ષકો જ નથી
ધો.1 થી ધો.5માં અભ્યાસ કરતા 15 બાળકોનું શૈક્ષણિક ભાવિ પ્રવાસી શિક્ષકના શિરે
મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ફોન પણ ઉપાડવાની તસ્દી ન લીધી,મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કામગીરી સામે અનેક સવાલ
છેલ્લા કેટલાક મહિનાથી અન્ય શાળાના શિક્ષકો ભણાવી રહ્યા હતા,નવું સત્ર શરુ થતા શિક્ષકનોની નિમણુંક ન થતા શિક્ષણપ્રેમીઓમાં રોષ
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યુ છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે વિકસીત-વાઇબ્રન્ટ ગુજરાતમાં અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાથી પ્રવાસી શિક્ષકોથી ગાડું ગબડાવી રહ્યું છે ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાની માળ કંપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતું દંપતી 8 મહિના અગાઉ નિવૃત્ત થયા પછી તંત્ર અન્ય શાળામાંથી શિક્ષકો મોકલી વર્ષ પૂર્ણ કર્યા બાદ નવા સત્રમાં રોટેશન પદ્ધતિથી શિક્ષક ની ફાળવણી પણ બંધ કરી દેવામાં આવતા શાળામાં અભ્યાસ કરતા બાળકો એક પ્રવાસી શિક્ષક સહારે અભ્યાસ કરી રહ્યા હોવાથી શિક્ષણ તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે
પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજ તાલુકાના માળ કંપા પ્રાથમિક શાળામાં ધો.1 થી ધો.5માં 15 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેમાં મોટા ભાગના બાળકો ખેત મજુરનો છે માળ કંપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતું દંપતી ઓક્ટોમ્બર મહિનામાં વય નિવૃત્ત થતા શાળામાં કોઈ કાયમી શિક્ષક ન હોવાથી આ શાળામાં આજુબાજુની પ્રાથમિક શાળામાંથી શિક્ષકો મોકલી અને એક પ્રવાસી શિક્ષકની મદદથી જુના સત્રમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો સત્ર પૂરું થયા બાદ શાળા ખુલતા શાળામાં નવા સત્રમાં અન્ય શાળામાંથી આવતા શિક્ષક સ્ટાફ પણ અગમ્ય કારણોસર બંધ કરી દેવામાં આવતા સમગ્ર બાળકોનું ભારણ પ્રવાસી શિક્ષકના સહારે ચાલી રહ્યું છે નવા સત્રમાં શિક્ષણ કાર્યને 15 દિવસથી વધુનો સમય થવા છતાં શાળામાં કાયમી શિક્ષકોની નિમણુંક ન થતા અને અન્ય શાળામાંથી આવતા શિક્ષકો પણ ન મુકતા શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભાવિ અંધકારમય બન્યું છે
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, માળ કંપા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 15 જેટલા બાળકો માળ કંપામાં ખેત મજૂરી કરતા ભાગીયાના હોવાથી શિક્ષણ તંત્ર લાપરવાહી દાખવી રહ્યું છે જાણે ગરીબ અને અભણ પરિવારના બાળકોના શિક્ષણનું કોઈ મૂલ્ય ન હોય તેવું એસી ચેમ્બરમાં અને પંખા નીચે બેઠેલા અધિકારીઓ માની રહ્યા છે કે શું…?? માળ કંપા પ્રાથમીક શાળામાં છેલ્લા 8 મહિનાથી કાયમી શિક્ષકો ની નિમણુંક ન થતા ભણશે ગુજરાત…ની જગ્યાએ કઈ રીતે ભણશે ગુજરાત….કે પછી આ જ રીતે ભણશે ગુજરાત….સહીત તરહ તરહની ચર્ચાઓ જામી છે