ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ અને ડી.આર.એ નર્મદા બસપોર્ટ પ્રા. લિ. દ્વારા પીપીપી ધોરણે ભરૂચમાં રૂ. ૧૧૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલા આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીએ વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં કર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, નાનામાં નાના માનવીને પણ મુખ્ય ધારામાં લાવી શકાય તેવી વિકાસની રાજનીતિથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ, વંચિત, સામાન્ય માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે. વડાપ્રધાનની દરેક કલ્યાણ યોજનામાં કે જનહિતકારી નિર્ણયોમાં ગરીબ-છેવાડાનો અને નાનો માનવી કેન્દ્રસ્થાને હોય છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. તેમણે જણાવ્યું કે, ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ બન્યું છે તેના મૂળમાં વડાપ્રધાનએ નાંખેલો મજબૂત પાયો છે. ગુજરાતના ગામડામાં પણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની સેવાઓ મળે છે.
વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં પાછલા નવ વર્ષમાં પ્રગતિની ગતિ પણ વેગવંતી બની છે તેનું દ્રષ્ટાંત આપતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે ગત એપ્રિલ મહિનામાં જી.એસ.ટી ની જે માતબર આવક થઇ છે તે જ પૂરવાર કરે છે કે ધંધા-રોજગાર ઉદ્યોગોનું આખુંય ચક્ર દેશમાં તીવ્ર ગતિએ ચાલે છે.
મુખ્યમંત્રીએ નાગરિકો, સામાન્ય માનવીઓ માટે વાહનવ્યવહારના સરળ અને સક્ષમ માધ્યમ એસ.ટી ની સેવાઓ, બસમથકો બધામાં વડાપ્રધાનના દિશાદર્શનમાં જે આધુનિક બદલાવ આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
તેમણે બસ મથકોને એરપોર્ટ જેવી અદ્યતન સવલતો સાથેના બસપોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યા છે તેની સાથોસાથ એક સમયે દયનીય હાલતની એસ.ટી સેવાઓ આજે વોલ્વો જેવી સુવિધાસભર બસોથી સજ્જ બની છે તેની પણ સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ એસ.ટી નિગમની મુસાફર લક્ષી સેવા-સુવિધાઓમાં પર્યાવરણ જાળવણી માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતાં એસ.ટી. નિગમે પ૦ ઇ-બસો સેવામાં મૂકી છે અને વધુ રપ૦ બસો ભવિષ્યમાં સેવામાં મુકાવાની છે તેની પણ છણાવટ કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે તાજેતરની બિપરજોય વાવાઝોડાની આફતમાંથી ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં હેમખેમ પાર ઉતરીને વિકાસ પથ પર ગતિ જારી રાખી છે તેનો પણ ઉલ્લેખ આ વેળાએ કર્યો હતો. વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે ભરૂચ જિલ્લાને ઘણી જ અમૂલ્ય ભેટ મળી છે. તમામ નાગરિકો માટે એરપોર્ટને ટક્કર આપે તેવી સુવિધાઓ ધરાવતું બસ પોર્ટ ખુલ્લુ મુકયું છે. ગુજરાત રાજ્યમાં ૧૫ જેટલા બસ સ્ટેશનોને બસ પોર્ટમાં બદલવામાં આવ્યા છે. તે સાથે મુખ્યમંત્રીએ છેવાડાના માનવીની જ દરકાર કરતા લગભગ ૨૦૦૦ જેટલી નવી બસો રાજ્યને ભેટ આપી છે. અને નવી ૩૦૦ જેટલી ટ્રીપ વધારી છે.
નવી બસોમાં હાલની જરૂરીયાત પ્રમાણે સુવિધાઓ આપવામાં આવી છે. ચાર્જિગ પોઈન્ટ, બસના સિટનું મટીરીયલ બદલી અગવડતાને સગવડતાના રૂપમાં રાખી ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે.રોજગારીનું સૌથી મોટું ગ્રોથ સેક્ટર ભરૂચ જિલ્લો બન્યો છે. આ બસ પોર્ટ હવે તમામ લોકો માટે સારી સુવિધાયુકત બન્યુ છે ત્યારે તેની દરકાર રાખવાની હિમાયત મંત્રીએ કરી હતી.