અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ નિમિત્તે જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને સાયકલ રેલી યોજાઈ
સાયક્લ રેલીમાં બાળાઓ સાથે ભાગ લઈ કલેકટર પ્રશસ્તિ પારીકે આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરી
અરવલ્લી જિલ્લાના મોડાસાના ટાઉન હોલ ખાતેથી માન. જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકના અઘ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી નિમિત્તે સાયકલ રેલી યોજાઈ.
આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ દર વર્ષે 11 ઓક્ટોબરે ઉજવાય છે. આ દિવસ બાળકીઓ- યુવતીઓને તેમના અધિકારો પ્રાપ્ત કરવા અને અધિકારોનું રક્ષણ કરવા માટે ઉજવાય છે. ઈતિહાસમાં પહેલીવાર વર્ષ 1995માં બીઇજિંગ ડિક્લેરેશન એન્ડ પ્લેટફોર્મ ફોર એક્શને બાળકી-યુવતીઓના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તો વર્ષ 2011માં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 11 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય દીકરી દિવસના રૂપમાં ઉજવવાનું નક્કી કર્યુ હતુ. આ દિવસ લિંગ સમાનતા અને બાળકીઓ દ્વારા રોજિંદા જીવનમાં સામનો કરતી સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2023ના આતંરરાષ્ટ્રીય દીકરી દિવસની થીમ – ‘બાળકીઓના અધિકારોમાં રોકાણ: આપણું નેતૃત્વ, આપણું કલ્યાણ’ છે.
આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી નિમિત્તે આયોજીત સાયકલ રેલીમાં જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક સાથે વિવિધ સ્કુલની બાળાઓ તેમજ મહિલા અને બાળ વિભાગના અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. સાયકલ રેલી મોડાસાના ટાઉન હોલ ખાતેથી શરુ કરીને મોડાસાના મુખ્ય માર્ગ પર ફરી પાછા આવી ટાઉન હોલ ખાતે સમાપ્ત કરવામાં આવી હતી. જ્યા કલેકટર પ્રશસ્તિ પારીકની ઉપસ્થિતિમાં શાળાઓની બાળઓને તેમના અધિકારો, નેતૃત્વ અને કલ્યાણ તેમજ સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક, જીલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયા, નગરપાલિકા પ્રમુખ નિરજભાઈ, મહિલા અને બાળ અધિકારી હસીનાબેન તેમજ અન્ય સબંધિત કર્મચારીઓ અને વિવિધ શાળાઓની બાળાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.