અરવલ્લી જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન શહેર તથા ગ્રામ્ય સ્થળે સફાઈ ઝૂંબેશ હાથ ધરાશે
અરવલ્લી જિલ્લામાં વધુને વધુ લોકો સફાઈ ઝુબેશમાં જોડાઈ મોટું યોગદાન આપી આ અભિયાન ને સફળ બનાવે તેવી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકે અપીલ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહીત અરવલ્લી જિલ્લાના શહેરો, નગરો, ગામોમાં શાળા-કોલેજો, રેલ્વે સ્ટેશન, બસમથકો, ધાર્મિક સ્થાનો, અમૃત સરોવર, યાત્રાધામોમાં દર અઠવાડિયે તેમજ રવિવારે વિવિધ થીમ આધારિત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
દર રવિવારે અરવલ્લી જિલ્લાના નગરપાલિકા વિસ્તારોમાં નગરના પ્રવેશ માર્ગોથી પાંચ કિલોમીટરની હદના વિસ્તારોમાં જનસહયોગથી સફાઈ ઝૂંબેશ હાથ ધરાશે. અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક દ્વારા આ અભિયાન અસરકારક રીતે યોજાય તે માટે આહવાન કરવામાં આવ્યું. જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોકભાગીદારી થકી ગામડાઓમાં આવેલા આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, વિવિધ કચેરીઓના પ્રાંગણ ઉપરાંત જીલ્લામાં આવેલ વિવિધ પ્રવાસન સ્થળો, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થાનો સહિત જાહેર સ્થળો પર 2 મહિના સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમા જીલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લે તે માટે અપિલ કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, અભિયાન હેઠળ પ્રભાત ફેરી / રેલી તથા વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ, જન-જાગૃતિ અભિયાન વગેરેનું આયોજન કરવામાં આવશે. જેમાં સામાજિક અગ્રણીઓ, આરોગ્ય-શિક્ષણ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, આંગણવાડીની બહેનો, સખીમંડળની બહેનો, સ્વછતાગ્રહીઓ, તથા ગ્રામજનો આ મહાઅભિયાનમા જોડાઈ મોટું યોગદાન આપી સફળ બનાવે તેવી અપીલ કરી હતી