ગુજરાતના પ્રત્યેક ગામમાં પ્રકૃતિક કૃષિનું એક ‘મોડલ ફાર્મ’ તૈયાર કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ગ્રામીણ મહિલાઓ પ્રાકૃતિક ખેતીમાં નેતૃત્વ કરે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજભવનમાં ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાન વધુ વેગવાન અને અસરકારક બની રહ્યું છે. ઓક્ટોબર -૨૦૨૩ મહિનામાં જ ૨,૮૦,૬૩૧ ખેડૂતોને તેમના ખેતર કે ઘર સુધી જઈને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. રાજ્યમાં ૮,૮૪,૨૭૩ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પ્રેરણા આપવા ગુજરાતના પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછું એક ‘મોડલ ફાર્મ’ તૈયાર કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને ઘર આંગણે જ તાલીમ મળી રહે તો ઓછા ખર્ચે પરિણામલક્ષી કામગીરી થાય. ગ્રામીણ મહિલાઓ પ્રાકૃતિક ખેતીમાં નેતૃત્વ કરે, યોગ્ય તાલીમ મેળવે અને અન્ય ખેડૂતોને તાલીમ આપે. મહિલાઓની ભાગીદારીથી પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનમાં વધુ સારા પરિણામો મળશે. વધુને વધુ ખેડૂતોને તાલીમ આપવા અને તાલીમ આપી રહેલા નિષ્ણાતોને વધુ સારી અને ઉચ્ચકક્ષાની તાલીમ મેળવવા તેમણે અનુરોધ કર્યો હતો.
ગુજરાતમાં તા. ૧ લી મે, ૨૦૨૩ થી રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાન આદર્યું છે. રાજ્યના તમામ ગામોને ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સમાં વહેંચીને દરેક ક્લસ્ટરદીઠ એક ટેકનિકલ માસ્ટર ટ્રેનર તરીકે કૃષિ વિભાગના પ્રતિનિધિ અને એક ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે પ્રગતિશીલ ખેડૂત નિયુક્ત કરીને ખેડૂતોને ઘર આંગણે, તેમના ખેતરમાં જઈને તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ આપી રહેલા તમામ ખેડૂતો-પ્રતિનિધિઓને પુનઃ તાલીમ આપીને આધુનિક પદ્ધતિઓથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ૪૧,૨૭૯ ખેડૂતોના ખેતરમાં જઈને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનામાં ૧૮,૨૫,૩૬૩ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વ્યક્તિગત તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યાં છે.
કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓએ પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પોતાના જિલ્લાઓમાં અસરકારક કામગીરી શરૂ કરી છે. ઓક્ટોબર-૨૦૨૩ માં જ કલેકટર્સ, જિલ્લા વિકાસ અધિકારીઓએ ગામોમાં ૩૪ રાત્રી સભાઓ કરીને ૨,૨૫૩ ખેડૂતો સાથે સીધી વાત કરી છે. તમામ જિલ્લાઓમાં પ્રતિમાસ સમીક્ષા બેઠક કરીને પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વધુ વેગમાન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો વેચી શકે અને સામાન્ય નાગરિકોમાં પણ પ્રાકૃતિક ખેતી ઉત્પાદનની ખરીદી કરવાની સજાગતા આવતા પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે ખરીદનારા અને વેચનારા બંનેની સુગમતા માટે જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રો શરૂ કરાયા છે. રાજ્યમાં અત્યારે ૮૯૨ વેચાણ કેન્દ્ર કાર્યરત છે. વધુને વધુ વેચાણ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીની રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, રાજ્યપાલના અગ્રસચિવ રાજેશ માંજુ, સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર કમલ શાહ, ગુજરાત કૃષિ ઉદ્યોગ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડી. એચ. શાહ, કૃષિ વિભાગના સંયુક્ત સચિવ પી. ડી. પલસાણા, ‘આત્મા’ના ખાસ ફરજ પરના અધિકારી ડી. જી. પટેલ, કૃષિ નિયામક એસ. જે. સોલંકી, ‘આત્મા’ના નિયામક પ્રકાશ રબારી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડો. સી કે ટીંબડીયા, રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામકો, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક મહાત્મા પ્રફુલભાઈ સેંજલીયા, દીક્ષિતભાઈ પટેલ, ડૉ. રમેશભાઈ સાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા