શેરબજારમાં સેન્સેક્સ ભલે 188 પોઇન્ટ ઘટીને 65,795ની સપાટીએ બંધ રહ્યો, પરંતુ સ્મોલ અને મિડ કેપ આંક વિક્રમ સ્તરે બંધ રહેતાં બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન ~327.51 લાખ કરોડનાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. માર્કેટ કેપમાં આગલા દિવસની સામે ~50,000 કરોડની વૃદ્ધિ નોંધાઈ હતી. સ્મોલ કેપ આંક 143 પોઇન્ટ વધીને 39,598 અને મિડ કેપ આંક 90 પોઇન્ટ વધીને 33,380ની રેકોર્ડ સપાટીએ બંધ રહ્યા હતા.
સેન્સેક્સમાં સૌથી વધુ નરમ રહેલાં શેરોમાં બેન્કિંગ શેરો હતા, જ્યારે આઇટી શેરોમાં પણ પ્રોફિટ બુકિંગને પગલે સુધારો અટક્યો હતો.રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ અનસિક્યોર્ડ લોનના રિસ્ક વેઇટેજને 100 ટકાથી વધારીને 125% કરતાં તેની નકારાત્મક અસર બેન્કિંગ અને એનબીએફસી શેરોમાં જોવાઈ હતી. ક્રૂડના ભાવ ઘટીને $77 સુધી નીચે આવવાની અને વિન્ડફોલ ટેક્સ ઘટાડવાની કોઈ અસર રિફાઇનરી અને ઓઇલ માર્કેટિંગ શેરોમાં જોવાઈ નહોતી.