ગોધરા,
પંચમહાલ જિલ્લાના ગોધરા નારી સંરક્ષણ ગૃહની દીકરી ભારતીનો આજે લગ્ન પ્રસંગ યોજાયો હતો.ગોધરા સ્થિત મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે નવદંપતીને આશિષ આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા તથા પંચમહાલ પ્રભારી અને શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે યુવતી સાથે વાતચીત કરી તેમના પરિવારનો હિસ્સો હોવાની અનુભૂતિ કરાવી હતી.આ પ્રસંગે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ નવદંપતીને સુખ,શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે,રાજ્ય સરકારશ્રી પરિવાર જેવી હુંફ આપીને હંમેશા દીકરીઓના પડખે ઊભી રહી છે.
નારિગૃહ ખાતે ઉછરેલી દીકરીના લગ્ન માટે ૧.૫૦ લાખની સહાય આપવામાં આવી છે.તેમણે લગ્નનો ખર્ચ ઉઠાવનાર તમામ દાતાઓનો સરકાર તરફથી આભાર માન્યો હતો.આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે,લોક કલ્યાણ માટે સરકારએ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.તેમણે નવ દંપતીને આશીર્વાદ આપતા કહ્યું કે દીકરીના ભાઈ તરીકે અહીં ઉપસ્થિત રહેવાનું થયું છે તથા દીકરી પરણીને સંતરામપુર ખાતે આવી રહી છે ત્યારે એક ભાઈ તરીકે દીકરી ભારતીનું ધ્યાન રાખીશું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કલેકટરએ કહ્યું કે,આજે હર્ષ અને લાગણીનો ઉત્સવ છે.તેમણે મંત્રીશ્રી અને તમામ દાતાઓ અને મહાનુભાવોને આવકાર્યા હતા. આ લગ્ન પ્રસંગે કલાકારોએ સંગીત કાર્યક્રમમાં લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી.આ દીકરીના લગ્ન અને કન્યા દાનનો તમામ ખર્ચ સરકાર અને દાતાઓએ ઉઠાવ્યો છે.પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર,મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તથા નારી સંરક્ષણ કેન્દ્રના સંયુક્ત પ્રયાસો થકી દીકરીના લગ્ન કરાયા છે.ગોધરા ખાતે આવેલા આ નારી સંરક્ષણ ગૃહે આ દીકરીને નાનપણથી પોતાની દીકરીની જેમ સાચવી છે અને એક પરિવાર જેવી હુંફ આપી છે.લગ્નમાં કરિયાવર તરીકે જીવન જરૂરી દરેક વસ્તુઓ દાતાઓ દ્વારા ભેટ કરાઈ છે.લગ્ન પ્રસંગ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા,ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી,મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર,મહિલા અને બાળ વિકાસ સચિવ કે.કે.નિરાલા,જિલ્લા કલેકટર આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવી ચૌહાણ સહિત નારી સંરક્ષણ વ્યવસ્થાપક સમિતિના સભ્યો,દાતાઓ અને બહોળી સંખ્યામા આશીર્વચન આપવા લોકો ઉપસ્થિત રહ્યા હતા.