અરવલ્લી એસઓજી ટીમે મેઘરજ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે મેઘરજ તાલુકાના કાલીયાકુવા ગામેથી લાઇસન્સ વગરની દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.મકાનની બાજુમાં આવેલ ઢોર બાંધવાના ઢાળીયામાં ભીંતે દેશી બનાટવતી એક નળવાળી બંદૂક રાખવામાં આવી હોય એસઓજી પોલીસે જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથધરવામાં આવી હતી.
અરવલ્લી એસઓજી પીએસઆઇ એસ.જે.દેસાઈ અને તેમની ટીમ મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા મેઘરજ તાલુકાના કાલીયાકુવા ગામે હાથીજી અર્જણભાઈ ડામોર કોઈ પણ પ્રકારના લાઇસન્સ વગર પોતાના ઘરે એક નાળાવાળી બંદૂક રાખતો હોવાની અરવલ્લી એસઓજીને બાતમી મળી હતી.જેમાં એસઓજી ટીમે છાપો માર્યો હતો અને આ શખ્સના ઘરે તપાસ હાથ ધરી હતી.દરમિયાન હાથીજી ડામોરના મકાનની બાજુમાં આવેલ ઢોર બાંધવાના ઢાળીયામાં ભીંતે એક નાળાવાળી બંદૂક ટીંગાડેલ જોવા મળી હતી.પોલીસે આ મામલે પૂછપરછ કરી લાઇસન્સ કે કોઈ આધાર પુરાવો હોય તો રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ તેની પાસે કોઈ પુરાવો ન હોય ૧૦ હજારની કિંમતની બંદૂક જપ્ત કરવામાં આવી હતી.લાઈસન્સ વગર દેશી હાથ બનાવટી બંદૂક રાખનાર સામે આમ્સ એક્ટ હેઠળ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.