કુદરતે શું ધારી છે…!! અરવલ્લી જીલ્લામાં ભારે પવન ફૂંકાયો, ભિલોડા પંથકમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ
રાજ્યમાં ફરી એક વખત માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી વાદળોની આવન- જાવન વચ્ચે સાંજના સુમારે અચાનક પલટો આવ્યો હતો ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ફૂંકાતા વાહનચાલકો અને પ્રજાજનો તોબા પોકારી ઉઠ્યા હતા કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો ભિલોડા પંથકના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કરાનો વરસાદ થતાં ખેડૂતોને પડતાં પર પાટુ જેવો ઘાટ સર્જાયો હતો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલમાં માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે.ભિલોડા પંથકમાં વરસાદ ખાબકતા શીત લહેર પ્રસરતા અસહ્ય ગરમીથી રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અરવલ્લી જીલ્લાના ભિલોડા, શામળાજી, ટીંટોઈ સહિતના આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા ભિલોડા પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો ભારે પવન સાથે કરારૂપી વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા કમોસમી માવઠું થતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ખેતરમાં ઉભા બાજરી,મકાઈ જેવા ધાન્ય પાક અને વરિયાળી,જીરું સહિતના રોકડિયા પાકનો સોથ વળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જીલ્લાના મોડાસા , મેઘરજ અને માલપુરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડતા લોકો મિનિ વાવાઝોડા જેવી સ્થિતિથી તોબા પોકારી ઉઠ્યા હતા હજુ ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનના કારણે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે