વોલેટમાં રોકડ ઉપરાંત અગત્યના ડોક્યુમેન્ટ્સ સાથે એટીએમ કાર્ડ હતું જેના આધારે બેંકમાં જઇને યુવાનનો મોબાઇલ નંબર મેળવ્યો : જેનું વોલેટ ખોવાયું હતું તે આઇઆઇટીઇનો વિદ્યાર્થી અને પરત કરનાર યુવતી ફોરેન્સિક યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થીની
આજકાલ જાહેર ચર્ચામાં કે પ્રવચનોમાં યુવાનોમાં માત્ર દેખાડાં સાથે બેજવાબદારી અને અપ્રમાણિકતા વધી રહી હોવાના આક્ષેપો કરવાની જાણે ફેશન ચાલી રહી છે. યુવાનો પર અા રીતે આક્ષેપ કરવા સહેલાં છે પરંતુ હકીકતમાં આજના યુવાનો વધુ પ્રમાણિક અને વધુ નિખાલસ છે તેવાં કિસ્સાં અવારનવાર જોવા મળે છે. ગાંધીનગરમાં તાજેતરમાં જ એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક યુવાનનું આશરે રૂપિયા સાત હજાર રોકડ અને અગત્યના ડોક્યુમેન્ટ્સ સાથેનું વોલેટ ખોવાઈ જવા પામ્યું હતું જે એક યુવતીને મળી આવતાં તેણે પોતાનો કિંમતી સમય બગાડીને યુવકને શોધીને તે પણ પરત કરી પ્રામાણિકતાનું અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
ગાંધીનગરના સે.15 માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન સાથે એમએસસી-એમએડનો અભ્યાસ કરી રહેલાં ગોધરાના રાહુલ વણજારા નામનો યુવાન જ્યારે સોમવારે પોતાના ઘરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે તે સાંજે અમદાવાદથી ગાંધીનગર આપવા માટે વિકાસ રૂટની નવી બસમાં બેઠો હતો. બસમાં ટિકિટ લીધા પછી રાહુલ પોતાનું વોલેટ ખોળામાં જ રાખીને પાછું ખિસ્સામાં મૂકવાનું ભૂલી ગયો હતો અને જ્યારે રાત્રે આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ બસ ઇન્ફોસિટી પહોંચી જ્યાં રાહુલને ઉતરવાનું હતું તે સ્ટેશન આવતાં તે બસમાંથી ઊતરી ગયો હતો. આ દરમ્યાન તેનું વોલેટ બસમાં જ પડી ગયું હતું જેનું પેમેન્ટ સહેજ પણ અણસાર આવ્યો નહોતો. આ વોલેટમાં આશરે સાત હજાર જેટલા રોકડા નાણાં અને બેંકનું એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, સહિત તેનાં કોલેજનું આઇડીકાર્ડ સહિતના અગત્યના દસ્તાવેજો પણ હતાં. આ પછીના બસસ્ટોપે રાહુલની નજીકમાં બેઠેલી સંતોષી રુદ્રકર નામની એક યુવતી પોતાનું સ્ટેન્ડ આવતાં બસમાંથી ઊતરવા ઊભી થઈ હતી ત્યારે તેની બાજુમાં બેઠેલા અન્ય એક મુસાફરે પેલું વોલેટ નીચે પડેલું જોઈ તેને ઉપાડીને સંતોષીને આપતા કહ્યું કે “લો તમારું પર્સ પડી ગયું છે.” વોલેટ જોઈને સંતોષીને ખબર પડી ગઈ કે આ પેલા યુવાનનું છે જે એની અગાઉ ઉતર્યો હતો એટલે તેણે પેલા મુસાફરની કહ્યું કે “આ પર્સ મારુ તો નથી પરંતુ જેનું છે તેને હું પહોંચાડી દઈશ” એમ કહીને તેણે પણ પોતાની સાથે લઈ લીધું હતું. આ દરમ્યાન જ બીજી તરફ રાહુલને પોતાની રૂમ પર પહોંચ્યા પછી ખબર પડી કે વૉલેટ બસમાં પડી ગયું છે એટલે તુરંત તે પથિકાશ્રમ એસટી ડેપો પર પહોંચ્યો હતો પરંતુ બસ સેક્ટર રૂટની હોવાથી હજુ ડેપો પર પહોંચવામાં અડધો કલાક જેવી વાર લાગે તેમ હતી તેથી કંટ્રોલ પોઇન્ટ પરથી તેણે કંડકટરને ફોન કરાવ્યો અને તપાસ કરી તો કંડકટરે કહ્યું કે “અહીં કોઇ વોલેટ પડેલું દેખાતું નથી”. આ પછી બસ પરત ફરી ત્યારે પણ તેણે ખાતરી કરી લીધી અને પછી મનોમન પોતાના નાંણા અને અગત્યના ડોક્યુમેન્ટ્સ ગુમાવ્યાંનો અફસોસ કરતાં રૂમ પર પરત ફર્યો હતો.
આ તરફ સંતોષીએ પોતાના રૂમ પર પંહોચી પેલું વોલેટ ચેક કર્યું જેમાં મળેલા દસ્તાવેજોના આધારે જે યુવાનનું વોલેટ હતું તેનું નામ રાહુલ વણજારા છે તે ખબર પડી પરંતુ તેનો કોઈ કોન્ટેક્ટ નંબર વોલેટમાંથી મળ્યો નહોતો તેથી સંતોષીએ સોશ્યલ મીડિયા પર પણ રાહુલને શોધવા પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળતા મળી નહોતી. આથી બીજા દિવસે વહેલી સવારે સંતોષીએ સેક્ટર-૯ ખાતે આવેલી એસબીઆઇ બેંકની બ્રાન્ચમાં જઈને સમગ્ર ઘટનાની વાત કરી બેંકનું એટીએમ કાર્ડ બતાવતાં બેન્ક અધિકારીને તેની વાતમાં વિશ્વાસ આવ્યો હતો અને તેણે એટીએમ કાર્ડના આધારે રાહુલના બેન્કખાતાંની વિગત જોઇને તેનો મોબાઈલ નંબર આપ્યો હતો. વહેલી સવારે રાહુલ પર પેલી યુવતીનો ફોન આવ્યો જેણે ઓળખની ખાતરી કરી લીધા પછી પૂછ્યું હતું કે તમારું વોલેટ ખોવાયું છે જેના જવાબમાં રાહુલે હા પાડતા તેને લઈ જવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આવવા જણાવ્યું હતું અને રાહુલ ત્યાં પંહોચતાં તેને બસમાં જોયેલો હોવાથી અને ડોક્યુમેન્ટ્સમાં ફોટો પણ હોવાથી ઓળખીને વોલેટ પરત કરતાં રાહુલની ખુશીનો પાર રહ્યો નહોતો અને તેણે સંતોષીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
નામ જેવા જ ગુણ અને કોલર ટ્યુન ધરાવતી “સંતોષી”
રાહુલ વણજારાનું ખોવાયેલું વૉલેટ જેને મળ્યું હતું તે સંતોષી રૂદ્રકર તેના નામ જેવા જ “સંતોષી” ગુણો ધરાવતી યુવતી છે. મધ્યપ્રદેશના બાલાઘાટની સાઈબર ફોરેન્સિકમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી આ યુવતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે “ડિજિટલ ફોરેન્સિક” વિષય પર પીએચડી કરી રહી છે અને તે સાથે ત્યાં જ પાર્ટટાઈમ આસિસ્ટન્ટ લેક્ચરર તરીકેની જોબ પણ કરી રહી છે. ઇશુ ખ્રિસ્તના આદર્શોને માનતી આ યુવતીના મોબાઈલની કોલર ટ્યુન પણ તેના સ્વભાવ મુજબ “નેકી કી રાહોં પે તુ ચલ..” ગીતની છે