ગુજરાત વિધાનસભાની બીજા ચરણની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોંટીનું જોર લગાવી રહ્યા હોવાની સાથે અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવારો અને તેમના સમર્થકોએ અંધશ્રદ્ધાનો સહારો લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લાના આદિવાસી અને બક્ષીપંચની બહુમત ધરાવતા કેટલાક ગામડાઓમાં મતદારોને અંધશ્રદ્ધાના બહાને કેટલાક ઉમેદવારો અને તેમના ટેકેદારો મતદારોને દિવા ઉપડાવી તેમની તરફેણમાં મત આપવા નક્કી કરી લીધા હોવાનું તેમજ તમે કોને મત આપશો,ને કઈ બાજુ છો જેવા સવાલો કરી દિવા ઉપડવાની સાથે કાયટુ કરી રહ્યા છે
અરવલ્લીના અંતરિયાળ વિસ્તારોમાં ઉમેદવારો ભુવા,મંદિરના પુજારીઓ,સંતોનો ભરપૂર ઉપયોગ મત મેળવવા કરવામાં આવ્યો છે જો કે મતદારો પણ જાગૃત બન્યા છે આધુનિક જમાનામાં અંધશ્રદ્ધાને કોરાણે મૂકી ભલે કોઈની શરમમાં દીવો ઉપાડવો પડ્યો હોય પણ મત તો તેમની ઈચ્છા અનુસારના રાજકીય પક્ષ કે ઉમેદવારને મત આપનાર મતદારો પણ છે
અરવલ્લી જીલ્લાના આદિવાસી અને બક્ષીપંચ ધરાવતા વિસ્તારોમાં ઉંડાણના કેટલાક ગ્રામ્ય વિસ્તારો હજુ પણ અંધશ્રદ્ધામાં ગરકાવ થયેલા છે આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,ભૂત,આખડીને તંતર-મંતર અને જંતરમાં માનતા અનેક લોકોની નાડ પારખી ગયેલા કેટલાક નેતાઓના ટેકેદારો મતદારો જે દેવી દેવતાને માનતા હોય તેના ફોટા સમક્ષ દિવા સળગાવી દિવા ઉપાડવી રહ્યા હોવાની ભારે ચર્ચાઓ થઇ રહી છે બીજી તરફ અંધશ્રદ્ધામાં માનનારા ખોટા દિવા કેમના ઉપાડવા તેની ચિંતા પણ સતાવી રહી છે.એક તરફ ગુપ્ત મતદાન પધ્ધતિથી મતદાન થાય છે ત્યારે આવી અંધશ્રદ્ધાનો ડર બતાવી મતદારોને ખુલ્લા પાડી પોતાની તરફે કરવાની મેલી મુરાદોની ભારે ટીકાઓ થઇ રહી છે એક જ ગામડામાં બે કે ત્રણ પક્ષના ઉમેદવારો અને તેમના ટેકેદારો દિવા ઉપડાવવા થેલીઓમાં દીવો અને તેનો માલસામાન તેમજ ત્રણ ચાર દેવી દેવતાઓના ફોટા લઇને મતદારોના ઘરે ખાટલા બેઠક યોજી મત વિસ્તારમાં ફરી રહ્યા છે દીવો ઉપાડી લેનાર મતદારો તેમના તરફી મતદાન કરશે તેવી પાક્કી ગણતરી મારતા હોય છે પરંતુ ઇવીએમમાંથી કેટલા મત નીકળે છે તે જોવું રહ્યું