આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષ કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત અરવલ્લી દ્વારા યાત્રાધામ શામળાજી ખાતે આયુષ મેળો તથા આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આયુષ મેળો તથા આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનો માનનીય ધારાસભ્ય પી. સી. બરંડાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. આ કેમ્પ થકી લોકોના રોગોનું વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓ આપી નિદાન કરવામાં આવ્યું. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો.
ધારાસભ્ય પી.સી.બરંડા એ લોકોને સંબોધીત કરતા જણાવ્યું કે આયુર્વેદએ આપના જીવનનો હિસ્સો છે. વર્ષોથી આ જંગલોમાંથી મળતાં છોડ, મૂળ અને વનસ્પતિથી આપણે નિદાન કરતાં આવ્યા છીએ. હવે સરકાર દ્વારા આ પ્રકારે મેળા યોજી આ લાભ તમામ લોકો સુધી પહોચાડવા પ્રયાસો કરાયા છે જેનો વધુમાં વધુ લાભ મેળવે તે પણ વિનંતી કરી.
આ કેમ્પમાં અગ્નિકર્મ જેવી પદ્ધતિઓ દ્વારા વર્ષો જૂના દુખાવાનું પણ નિદાન કરવામાં આવ્યું. આ આયુષ મેળા દરમિયાન અહીં આરોગ્યવર્ધક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું. પોષી પુનમ નિમિત્તે શામળાજી મંદિર ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં ભક્તોએ આ કેમ્પનો લાભ લીધો અને જણાવ્યું કે આ પણ ભગવાન શામળાજીનો પ્રસાદ જ છે.