અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા નજીક ઉનાળિયા ગામ રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા લોકોએ ખેડૂતના ઘર આગળ બાંધેલી ગાયને અવાવરું જગ્યાએ લઈ જઈ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઘાયલ કરતાં સવારે ઘાયલ ગાયને જોઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ સાઠંબા પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો.
બાયડ તાલુકાના ઉનાળિયા ગામે રાત્રિ દરમિયાન ખૂંટે બાંધેલી ગાયને અજાણી જગ્યાએ લઈ જઈને ગાય પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતાં ઘાયલ થયેલી ગાયને જોઈને સવારે ખેડૂત પરિવાર તથા ગામ લોકોનું હૃદય દ્રવી ઉઠયું હતું અને આવા ગૌવંશ પર હુમલો કરનારા હરામખોરો પર કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે લોકોનું ટોળું સાઠંબા પોલીસ મથકે ધસી આવ્યું હતું.
ખેડુત પરિવારે ગાય પર હુમલા બાબતે અગાઉના ઝઘડાની અદાવતમાં સામેલ લોકો જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
સાઠંબા પોલીસે ખેડૂત પરિવાર તથા ગ્રામજનોની ઉગ્ર રજૂઆત સાંભળી ફરિયાદ લઈ દોષિતો સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.