વિજયનગર તાલુકામાં ૬૦ ઘર લિંટલ લેવલે આવી જવા છતાં બીજો હપ્તો નહિ ચૂકવાતા લાભાર્થીઓ મુંઝાયા
Advertisement
વિજયનગર તાલુકામાં અનુ.જનજાતિના લોકોને વ્યક્તિગત રીતે ઘરનુંઘર બનાવવા માટે મકાન સહાય આપવાની યોજના હેઠળ મજૂર થયેલ ૬૦ જેટલા મકાનો માટેનો બીજો હપ્તો વિલંબમાં પડતા અને માથે ચોમાસુ હોઈ છત વિનાના મકાનને લઈ મુંઝવણમાં મુકાયેલા લાભાર્થીઓ મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે અંતે મોડેથી નવા વર્ષની ગ્રાન્ટ તો આવી પણ વહેલી ફાળવણી કરવામાં નહિ આવે તો ઘરનું ઘરનું મેળવવાનું સપનું રોળાઈ જવાનો ડર વ્યક્ત કરી રહ્યા છે.
અનુ.જન જાતિના લોકોને વ્યક્તિગત ધોરણે બાંધકામ માટે મકાન સહાય આપવાની યોજના હેઠળ અરજદારની અરજીની વિગતો ધ્યાનમાં લઈ સરકારના મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કચેરી સાબરકાંઠા જિલ્લો,હિંમતનગર દ્વારા વિજયનગર તાલુકામાં પણ અનુ.જનજાતિમાં લાભાર્થીઓને આ યોજના હેઠળ ટોયલેટ સાથેનું મકાન બનાવવા સહાય લાભાર્થી દીઠ રૂ.૧.૨૦લાખ મંજુર કરવામાં આવે છે.જેમાં પ્રથમ હપ્તો રૂ.30 હજારનો,બીજો 60 હજારનો અને ત્રીજો મકાન પૂરું થયા બાદ રૂ.30 હજારનો હપ્તો ચુકવવામાં આવે છે.
વિજયનગર તાલુકાના વાંકડા ગામની વિધવા મહિલા મોડિયા જયાબેન અરવિંદભાઈને સહિત તાલુકામાં. 60 જેટલા વ્યક્તિગત ધોરણે મકાન બાંધકામ કરી રહેલા લાભાર્થી અરજદારોને મળવા પાત્ર પહેલો હપ્તો ચૂકવાઈ ગયો હતો અને અરજદારોએ બીજા પોતાના પૈસા ઉમેરીને મકાનો લિંટલ લેવલે લાવી દીધાં છે એટલે આ અરજદાર વિધવા સહિત તમામ અરજદારોને હવે બીજો રૂ.60 હજારનો હપ્તો ચૂકવવાનો થાય છે.
એક તરફ લિંટલ લેવલે મકાન બાંધકામ થઈ ગયું છે અને બીજો હપ્તો રૂ.૬૦ હજાર આવે તો ચોમાસું નજીક હોઈ અરજદારો એમના મકાનોનું બાંધકામ પૂરું કરી શકે.બીજી તરફ સરકારમાંથી બીજા હપ્તાની ગ્રાન્ટ ચૂકવણીમાં ખૂબ વિલંબ થતાં અરજદારો કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે અરજદારોની વ્યથા અંગે સંબંધિત વિભાગમાં તપાસ કરતા મળેલી માહિતી અનુસાર નવા વર્ષની ગ્રાન્ટ આવી ગઈ હોય દરેક લાભાર્થી કે જેમના બાંધકામ લિંટલ લેવલે આવી ગયા છે એ તમામને સંભવતઃચાલુ માસમાં જ ચુકવણું કરી દેવામાં આવશે એમ જાણવા મળ્યું છે ત્યારે બીજો હપ્તો વિના વિલંબે ચૂકવી દેવામાં આવે એની લાભાર્થીઓને પ્રતિક્ષા છે