મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ગોલથરા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાતે
મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવમાં કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય પહોંચ્યા
ગોલથરા પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવી શાળા પ્રવેશ કીટ અર્પણ કરી
મુખ્યમંત્રીએ વાલી સાથે મિટીંગ યોજી શાળાની સુવિધા અને અન્ય બાબતોને લઈને કર્યો પરામર્શ
મુખ્યમંત્રીએ બાળકો સાથે વડીલ વાત્સલ્ય ભાવે સહજ સંવાદ સાધ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી બે દિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની ગોલથરા પ્રાથમિક શાળાની ઓચિંતી મૂલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ગોલથરા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય પહોંચ્યા હતા. મુખ્યમંત્રીને શાળામાં અચાનક આવેલા જોઇને શિક્ષકો, બાળકો અને વાલીઓએ આનંદ સહ આશ્ચર્યની અનૂભુતિ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગોલથરા પ્રાથમિક શાળામાં પ્રતિકરૂપે બે બાળકોને ધોરણ-1 અને બાલવાટિકામાં પ્રવેશ કરાવી શાળા પ્રવેશ કીટ અર્પણ કરી હતી. આ ગોલથરા અને લક્ષ્મીપૂરા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 95, આંગણવાડીમાં 24 અને ધોરણ-1 માં 5 બાળકોનું પ્રવેશોત્સવ અન્વયે નામાંકન થયું છે.
મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ બાદ SMC અને બાળકોના વાલી સાથે મિટીંગ યોજીને શાળામાં અન્ય વધુ સુવિધાઓ ઊભી કરવા અંગેના સૂચનો મેળવી પરામર્શ કર્યો હતો.