વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે દરિયાકિનારાના જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી પ્રભાવિત દરિયા કિનારાના જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે બચાવ-રાહત કામગીરી શરૂ : રાહત કમિશનર આલોકકુમાર પાંડે
વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં તા. ૧૪ અને ૧૫ જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ અને અંદાજે ૧૨૫ કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલે તારીખ ૧૩ જૂનથી પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી ૦ થી ૫ કિ.મી. અને ત્યારબાદ ૫ થી ૧૦ કિ.મીના અંતરે વસતા લોકોને સલામત સ્થળે ખસેડાશે
વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRF-SDRF ની ૧૨-૧૨ ટીમો તહેનાત
તમામ ૨૪,૦૦૦ બોટ સલામત સ્થળે પાર્ક કરાઈ
વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો સહિત વીજ પોલનો જથ્થો ઉપલબ્ધ
રસ્તા ખુલ્લા કરવા ટ્રી કટરની સાથે વન વિભાગ અને જરૂરી સાધનો સાથે માર્ગ વિભાગની ટુકડીઓ સજજ
કચ્છ જિલ્લામાં સંભવિત માંડવીથી જખૌ વચ્ચેનો વિસ્તાર જ્યાં વાવાઝોડુ ટકરાશે તેવા કિનારાથી ૦ થી ૫ કિ.મી.માં આવતા સૌથી વધુ પ્રભાવિત તમામ ગામોના લોકોને સલામત સ્થળે લઇ જવાશે
બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા સરકાર તૈયાર
રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા,જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જેમાં મોરબી ખાતેથી પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ અને જામનગરથી મંત્રી મૂળુભાઈ બેરાએ ઓનલાઇન ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય કેબિનેટ સચિવએ સવારે વાવાઝોડા સંદર્ભે માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપી તમામ મદદની તૈયારી બતાવી હતી તેમ તેમણે ઉમેર્યું હતું.
રાહત કમિશનર પાંડેએ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં તા. ૧૪ અને ૧૫ જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ અને અંદાજે ૧૨૫ કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે તારીખ ૧૩ જૂનથી પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી ૦ થી ૫ કિ.મી. અને ત્યારબાદ ૫ થી ૧૦ કિ.મીના અંતરે વસતા લોકોને સલામત સ્થળે ખસેડાશે જેમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધોને પ્રાધાન્ય આપવામાં આવશે. વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ પોલ સહિતનો જરૂરી જથ્થો સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, ભારે પવન અને વરસાદથી લોકોને સલામત સ્થળે ખસેડવા વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRF-SDRFની ૧૨-૧૨ ટીમો તહેનાત કરાઇ છે જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં
બે-બે, મોરબી, ગિરસોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં એક-એક જ્યારે વડોદરામાં બે અને ગાંધીનગરમાં NDRF ની એક ટીમ અનામત રખાઇ છે. આ જ રીતે SDRFની કુલ ૧૨ ટીમમાંથી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં બે-બે જ્યારે જૂનાગઢ, મોરબી, પોરબંદર,ગીર સોમનાથ, બનાસકાંઠા અને પાટણમાં એક-એક ટીમ તહેનાત કરાઇ છે.
વાવાઝોડા બાદ પ્રભાવિત વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવા ટ્રી કટરની સાથે વન વિભાગ અને જરૂરી સાધનો સાથે માર્ગ વિભાગની ટુકડીઓ સજજ કરવામાં આવી છે.
પાંડેએ કહ્યું હતું કે, દરિયાકિનારાના પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં સલામત સ્થળોએ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની વ્યવસથા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવતી રેલવેના અધિકારીઓ સાથે પણ જિલ્લા વહીવટી તંત્ર સતત સંપર્કમાં છે.
તેમણે કહ્યું હતું કે, નાગરિકોની સલામતી માટે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં જ્યારે ૬૦ કિ.મી. પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન શરૂ થશે ત્યારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. વધુમાં કચ્છ જિલ્લામાં સંભવિત માંડવીથી જખૌ વચ્ચેનો વિસ્તાર જ્યાં વાવાઝોડુ જમીન સાથે ટકરાશે તેવા કિનારાથી ૦ થી ૫ કિ.મી.માં આવતાં સૌથી વધુ પ્રભાવિત તમામ ગામોના લોકોને સલામત સ્થળે લઇ જવાની કામગીરી આજથી જ શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગની વાવાઝોડા અંગેની આગોતરી જાણ બાદ માછીમારો સલામત રીતે પરત ફર્યા છે જ્યારે દરિયાકિનારે તમામ ૨૪,૦૦૦ બોટ સલામત સ્થળે પાર્ક કરવામાં આવી છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે તેમણ વધુ વિગતો આપતાં કહ્યું હતું.