મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટ સામે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનની ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સચિવો પાસેથી વિસ્તૃત વિવરણ મેળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
એન.ડી.આર.એફ.ની ૧૫ તથા એસ.ડી.આર.એફ.ની ૧૨ ટીમો તહેનાત
માર્ગ અને મકાન વિભાગની ૧૧૫ ટીમો, ઊર્જા વિભાગની ૫૯૭ ટીમો સંભવિત આપત્તિમાં માર્ગ પરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે
૧૬૭ જે.સી.બી-ર૩૦ ડમ્પર સહિત ૯ર૪ મશીનરી-વાહનો સાથે માર્ગ-મકાન વિભાગ સજ્જ-કચ્છમાં એસ.ઇ ને ખાસ ફરજ સોંપાઇ
કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા ૪ સી.ડી.એચ.ઓ – ૧પ મેડીકલ ઓફિસર-સંયુકત પશુપાલન નિયામક ફરજરત કરવામાં આવ્યા
કચ્છમાં ૪૦ હજારથી વધુ ફૂડ પેકેટ-બે હજાર કિલોગ્રામ મિલ્ક પાવડર-૪પ હજાર ટ્રેટાપેક મિલ્ક જરૂરતમંદ લોકોને પહોંચાડવા તૈયાર કરવામાં આવ્યા
આઠ જિલ્લાઓમાં કુલ ૩૭,૭૯૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર-૮૬૯ મીઠા અગરના ૬રર૯ અગરિયાઓને પણ અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.
દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવ સામે તંત્રની સજ્જતા અંગે તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી. મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ ૮ જિલ્લાઓમાં ૩૭,૭૯૪ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાંથી ૬૨૨૯ અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગની સજ્જતા અંગે તેમણે કહ્યું કે વિભાગ દ્વારા જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ૫૨૧ જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં ૧૫૭ (૧૦૮) એમ્બ્યુલન્સ સેવાઓ સહિત કુલ ૨૩૯ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા ૪ સી.ડી.એચ.ઓ – ૧પ મેડીકલ ઓફિસર-સંયુકત પશુપાલન નિયામક ફરજરત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગના વર્તારા અનુસાર આગામી ૧૪ અને ૧પ જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે. કચ્છ જિલ્લામાં આ વાવાઝોડાની વ્યાપક અસરની શકયતાને પગલે કચ્છમાં ૪૦ હજારથી વધુ ફૂડ પેકેટ- બે હજાર કિલોગ્રામ મિલ્ક પાવડર-૪પ હજાર ટ્રેટાપેક મિલ્ક જરૂરતમંદ લોકોને પહોંચાડવા તૈયાર કરવામાં આવ્યા છે.
માર્ગ-મકાન વિભાગે ૧૧૫ ટીમો બનાવીને આ જિલ્લાઓમાં કાર્યરત કરી છે. ૧૬૭ જે.સી.બી-ર૩૦ ડમ્પર સહિત ૯ર૪ મશીનરી-વાહનો સાથે માર્ગ-મકાન વિભાગ સજ્જ-કચ્છમાં ખાસ એસ.ઇ ને ફરજ સોંપાઇ છે. એટલું જ નહિ, ઊર્જા વિભાગે ૮ સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં ૫૯૭ સહિત કુલ ૮૮૯ ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને આ આઠ જિલ્લાઓના ૬૯પ૦ ફિડરો પરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે.
ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતી અને જરૂર જણાયે બચાવ રાહત માટે NDRFની ૧પ તથા SDRFની ૧૨ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
સાવચેતીના પગલારૂપે આ દરિયાઇ વિસ્તારના આઠ જિલ્લામાં કુલ ૪૦૫૦ હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.
ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયો ઓપરેટર, જી-સ્વાન નેટવર્કની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે, મોબાઇલ સર્વિસ ઓપરેટર્સને પણ તકેદારીના ભાગરૂપે અલ્ટરનેટીવ ટાવર્સ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે તેમ મુખ્ય સચિવએ ઉમેર્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત વરિષ્ઠ સચિવો જોડાયા હતા.