મોડાસાના માલપુર રોડ પર આવેલ ફોર સ્કવેર નામની નિર્માણધીન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે બહાર સાઈડ ત્રણ શ્રમિક પ્લાસ્ટ કરતા પટકાયા
બિલ્ડર્સના કોન્ટ્રાકટર ગિરીશ પટેલ અને કોન્ટ્રાકટર કીર્તિ પટેલ સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં મનુષ્ય વધનો ગુન્હો દાખલ થતા ભૂગર્ભમાં
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં શ્રમિકોની જીંદગીની કોઈ કિંમત જ ન હોય તેમ નિર્માણધીન બિલ્ડીંગ્સ કે મકાનમાં સેફટીના નિયમોનો ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ નિર્માણધીન ફોર સ્કવેર કોમ્પ્લેક્ષના ત્રીજા માળના બહારના ભાગનું પ્લાસ્ટરનું કામકાજ કરી રહેલા ત્રણ શ્રમિકો પાલક પરથી નીચે પટકાતા એક શ્રમિકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બે શ્રમિકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોડાસા સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા જેમાં એક શ્રમિકની હાલત નાજુક હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કોન્ટ્રાકટર અને એન્જિનીયર્સ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો દાખલ કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
મોડાસા શહેરની કીડીયાદ સોસાયટીમાં રહેતા ખાલીદભાઈ કારીગર તેમના સાળા મુનીર શેખ,ફૈજલ શેખ અને અન્ય શ્રમિક ફોર સ્કવેર કોમ્પ્લેક્ષમાં મજૂરી કરવા ગયા હતા મુનીર શેખ અન્ય બે શ્રમિક સાથે ત્રીજા માળે પ્લાસ્ટરનું કામકાજ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાલક પરથી ત્રણે મજૂરો ભોંય તળિયે ધડામ દઈ પટકાતા મોડાસાની કીડીયાદ સોસાયટીમાં રહેતા મુનીર શેખ (40) ને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મોડાસાના ફેજલ ભાઇ રફીકભાઈ અને ઉસ્માનગની ને શરીરે ઇજાઓ પહોંચતાં તેને પણ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.ઘટનાને લઇ મોડાસા પાલિકાની ટીમ અને પ્રમુખ જલ્પાબેન ભાવસાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
સંબંધિત સમાચાર વાંચવા ક્લિક કરો – https://meragujarat.in/news/22546/
મોડાસા ટાઉન પોલીસે ખાલીદભાઈ ફકીર મહંમદ શેખે બિલ્ડીંગના કોન્ટ્રાક્ટર ગીરીશભાઈ પટેલ અને એન્જિનીયર કાર્તિકભાઈ પટેલ (બંને,રહે.મોડાસા) સામે બિલ્ડીંગની સાઇટ ઉપર સેફટીનું કોઈ સાધન ન રાખી માણસોને ગંભીર ઇજાઓ થાય તેવી જાણકારી હોવા છતાં તેમની પાસે મજૂરી કામ કરાવી ગંભીર બેદરકારી દાખવતા બંને વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો.