આ મહિને અમાસનો દિવસ ૧૭ જુલાઈ સોમવારના રોજ છે. આ વર્ષે અષાઢ માસની અમાસ સોમવારે આવી રહી છે. તેથી તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવશે. આ વખતે સોમવતી અમાસે ખૂબ જ દુર્લભ સંયોગ પુષ્કર યોગ બની રહ્યો છે. ધાર્મિક માન્યતા છે કે, સોમવતી અમાસના દિવસે તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને સંતાનસુખ પ્રાપ્ત થાય છે.
આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી વ્યક્તિને દરેક પ્રકારનાં કાળ, કષ્ટ, દુ:ખ, રોગ-વ્યાધિથી મુક્તિ મળે છે. તેથી, સોમવતી પર, ભક્તો પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન કરે છે અને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. અમાવાસ્યા ના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે વહેતાં જળ પ્રવાહમાં અંજલિ અર્પણ કરવી લાભકારી માનવામાં આવે છે.
આ વર્ષે દૈનિક પંચાંગ અનુસાર અષાઢ વદ પક્ષની અમાવસ્યા તિથિ 16 જુલાઈના રોજ 10.9 મિનિટથી બીજા દિવસે 17 જુલાઈએ 12.02 મિનિટે રહેશે. 17મીએ ઉદયા તિથિ હોવાથી 17મી જુલાઈએ સોમવતી અમાવસ્યા વ્રત રાખવામાં આવશે. આ દિવસે પુષ્કર યોગ પણ છે. જ્યારે અમાવસ્યા તિથિ સોમવારે આવે છે, ત્યારે પુષ્કર યોગ બને છે. આ યોગથી સૂર્યગ્રહણના સ્નાન પછી કરેલા દાનના પુણ્ય સમાન ફળ આપે છે.
ધાર્મિક દૃષ્ટિએ સોમવતી અમાસનું મહત્ત્વ:
સોમવતી અમાસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય અને પરિવારની સુખાકારી માટે તેનું વ્રત વિધાન કરે છે જે પ્રાંતીય રિવાજ કે માર્ગદર્શન મુજબ કરવામાં આવે છે. જેમાં સવારે શિવમંદિરમાં જઈ શિવલિંગ પર જળાભિષેક કરે છે. માતા પાર્વતીનું પૂજન કરે છે, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરતાં પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે માર્ગદર્શન મુજબ ઉપવાસ પણ કરવામાં આવે છે જેમાં કોઈ ફરાળ કે ફળાહાર લેવાનું પસંદ કરે છે તો કોઈ ફક્ત દૂધ લઈ પણ ઉપવાસ કરે છે. આ વ્રતને જો વધુ માર્ગદર્શન લઈને કરવામાં આવે તો પતિ અને પરિવારની સુખાકારીમાં વૃદ્ધિ થાય છે તેવી ધાર્મિક માન્યતા રહેલી છે.
સનાતન ધર્મ પ્રમાણે મહત્ત્વ-
સનાતન ધર્મમાં સોમવતી અમાવસ્યા તિથિનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી સાધકને અક્ષય ફળ મળે છે. આ શુભ અવસર પર શિવ મંદિરોમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, સોમવતી અમાવસ્યા ના દિવસે સ્નાન કરવાથી અને શાંતિથી ધ્યાન કરવાથી ગાયનું દાન કરવા સમાન પુણ્ય મળે છે.
સોમવારે દિવાસો અને એવરત- જીવરત માતાનું વ્રત કરાશેઃ-
સોમવારે અષાઢ વદી અમાસ જેને હરિયાળી અમાસ કે દિવાસો કે દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે આ જ દિવસે એવરત-જીવરત કરાશે. આ વ્રતમાં સૌભાગ્યવતી મહિલાઓ વ્રતધારી દ્વારા વહેલી સવારે ઊઠીને સ્નાન કરી ભગવાન સૂર્યને અર્ધ્ય આપી તાંબાના બે કળશમાં સ્નાન કરી શુદ્ધ જળ ભરવું. ઘરે પૂજાઘરમાં બે બાજોઠ પર લાલ કલરનું કપડું પાથરી તેના પર ઘઉંની ઢગલી કરવી તેના કળશ મૂકી નાડાછડી બાંધીને શ્રીફળ મૂકવા.તેની પર લાલ કલરની ચૂંદડી ઓઢાડીને શુદ્ધ ઘીનો દીવો કરી સહૃદયપૂર્વક પ્રાર્થના કરવી કે હે માતા, એવરત-જીવરત હું તમારા વ્રતનો પ્રારંભ કરું છું. મારા ઘરે પધારી મને ધન્ય કરો. ઘીના અખંડ દીવા સાથે આ દિવસે જાગરણ કરવું.
પતિના દીર્ઘાયુ માટે આ વ્રત વિશેષ :
જીવનમાં માતા પોતાનાં સંતાનના આયુ-આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. ભારતીય પરંપરામાં અષાઢી અમાસનું વિશેષ મહત્ત્વ સમજાવેલ છે. દિવાસાના દિવસથી સોમા દિવસે દેવદિવાળી આવે એવું આપણા પૂર્વ આચાર્ય સમજાવે છે