રેડક્રોસ મોડાસા દ્ધારા મહિલા લાભાર્થીને હાઇજિન કીટ અને થેલેસિમિયા ગ્રસ્ત બાળકોને ગિફ્ટ આપી વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી કરાઇ
રેડક્રોસ દિવસ નિમિત્તે ગ્રામ્ય કક્ષાના યુવાનોને ડિઝાસ્ટર મેનેજમેંટ તાલીમની ફી આપવાની ગિરીશભાઈ પટેલે જાહેરાત કરી
રેડક્રોસ દિવસ નિમિત્તે અધ્યક્ષ અતુલભાઈ દીક્ષિતએ સરકારમાંથી રેડક્રોસ માટે બિલ્ડીંગ અપાવવાની જવાબદારી ઉઠાવી
દર વર્ષે 8 મી મે રેડક્રોસના સ્થાપક જોહ્ન હેન્રી ડ્યુનાન્ટના જન્મ દિવસે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ અને ‘વિશ્વ થેલેસિમિયા દિવસ’ તરીકે મનાવાય છે. ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા રેડક્રોસ ગુજરાત રાજ્ય શાખાના માર્ગદર્શન હેઠળ ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ અને ‘વિશ્વ થેલેસિમિયા દિવસ’ ની ‘માનવતાને જીવંત રાખીએ’ વિષય પર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ અતુલભાઈ દીક્ષિત (ચીફ કમિશ્નર, સ્કાઉટ ગાઈડ અરવલ્લી જિલ્લા), મુખ્ય મહેમાન ગોવિંદભાઇ એસ. પટેલ (ટ્રસ્ટીશ્રી ગુજરાત રાજ્ય પેન્શન મંડળ), અનિલભાઈ પટેલ (ટ્રસ્ટી શામળાજી મંદિર), ગિરીશભાઈ પટેલ (ગુરુકૃપા ટ્રેક્ટર્સ), વિઠ્ઠલભાઈ પરમાર (મંત્રી અરવલ્લી જિલ્લા પેન્શન મંડળ), ડો.પિનાકીન પંડ્યા, દુર્ગેશભાઈ પ્રણામી, નવીનભાઈ રામાણી, મનોજભાઇ પટેલ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
રેડક્રોસ અરવલ્લી ચેરમેન ભરતભાઈ પરમારે સ્વાગત પ્રવચન આવેલ મહેમાનોનો પરિચય આપ્યો હતો તથા તેમની સેવાઓ બિરદાવી હતી તેમજ રેડક્રોસનો ઇતિહાસ વર્ણવ્યો હતો. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી રેડક્રોસના સ્થાપક જોહ્ન હેન્રી ડ્યુનાન્ટને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. રેડક્રોસના હોદ્દેદારો દ્ધારા આવેલ તમામ મહેમાનોનું ફુલછડી અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સન્માન તરીકે દેહદાનની જાહેરાત કરનાર શંકરભાઇ પટેલ, હરેશભાઈ ભાવસાર તથા મીનાબેન ભાવસારનું બુકેથી સન્માન કર્યું હતું. મહેમાનોના હસ્તે અરવલ્લી જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ આપતી આંગણવાડી કાર્યકરો, આશાવર્કરો, નર્સિંગ તાલીમાર્થીને હાઇજિન કીટ વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત હાજર થેલેસિમિયા બાળકોને પાણી બોટલ અને પેન ગિફ્ટ આપી સંવેદના વ્યક્ત કરી હતી. મહેમાન ગિરીશભાઈ પટેલએ રેડક્રોસમાં હંમેશા સેવાઓ આપવા જણાવ્યુ હતું તેમજ ગ્રામ્ય કક્ષાના યુવાનોને સ્વખર્ચે ડિઝાસ્ટર મેનેજમેંટની તાલીમ આપી વધુમાં વધુ સ્વયંસેવકો તૈયાર કરવા ખાતરી આપી હતી. ઉપરાંત અનિલભાઈ પટેલ, ડો.પિનાકીન પંડ્યા, વિઠ્ઠલભાઈ પરમારએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપતા રેડક્રોસની સિદ્ધિઓ વખાણી હતી અને ભવિષ્યમાં વધુમાં વધુ સેવાઓ આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમારંભના અધ્યક્ષશ્રી અતુલભાઈ દીક્ષિતએ રેડક્રોસ સાથેનો તેમનો જૂનો ઇતિહાસ વર્ણવ્યો હતો તથા રેડક્રોસ પાસે પોતાનું મકાન નથી તે ચિંતાજનક વાત છે. આગામી સમયમાં તેઓ પોતે રેડક્રોસને સરકારી મકાન મળે તથા નવીન બ્લડ બેન્ક અને ફિજિયોથેરાપી સેન્ટર શરૂ તે માટે બનતા તમામ પ્રયત્નો કરશે તેવું જણાવ્યુ હતું.
આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ટ્રેઝરર વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી સભ્ય અરવિંદભાઈ શ્રીમાળિ, જીતેન્દ્રભાઈ અમીન, કે.કે.શાહ, વનિતાબેન પટેલ,શ્રીમતી દીપ્તિબેન ઉપાધ્યાય તેમજ સભ્યો તથા રેડક્રોસ સ્ટાફ ગણ, પત્રકારો, નર્સિંગ તાલીમાર્થી, આંગણવાડી, આશાવર્કર બહેનો તમામ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રભાઈ પંડ્યાએ કર્યું હતું. અંતે વિઠ્ઠલભાઈ પટેલ દ્ધારા આભારવિધિ કર્યા બાદ અલ્પાહાર લઈ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો.