મર્યાદા પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમ ના જીવન ચરિત્રનું રસપાન કરાવતા કથાકાર શાસ્ત્રી શ્રી શરદભાઈ વ્યાસ
“નંદ ઘેર આનંદ ભયો” અને “જય જય શ્રી રામ” ના નાદ થી સમગ્ર સોમનાથ ગુંજી ઉઠ્યું
સમગ્ર તીર્થમાં આવનાર ભક્તો અને સ્થાનિકો શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા પહોંચ્યા
સ્થાનિક તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મસમાજ સહિત તમામ સમાજ શ્રીમદ ભાગવત ના દર્શન અને આરતી કરવા પધાર્યા
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રત્નાકર સમુદ્રના તટ પર શ્રીમદ ભાગવત કથાનું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ધરમપુર વાળા સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી શરદભાઈ વ્યાસ ના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાના જ્ઞાનયજ્ઞનો સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તોને તેમજ સ્થાનિકોને લાભ મળી રહ્યો છે.
ત્યારે આજરોજ શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે પ્રભુ શ્રીરામ અને શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું અને હર્ષોલાશ સાથે પ્રભુના વધામણા કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ જેઓ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા અને પ્રભુ શ્રીરામ કે જેઓએ મર્યાદામાં રહીને જીવન જીવવાના આદર્શો સમગ્ર માનવ જાતને બતાવ્યા તે બંનેના મહાન ચરિત્રો અને શ્રીકૃષ્ણ અને શ્રીરામ અવતાર પરથી ભક્તોએ પોતાના જીવનમાં ઉતારવા લાયક મૂલ્યો વિશે કથાકાર શ્રી શરદભાઈ વ્યાસ મહારાજે સૌને જ્ઞાન રસપાન કરાવ્યું હતું. આ તકે સ્થાનિક તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મસમાજ સહિત તમામ સમાજ શ્રીમદ ભાગવત ના દર્શન અને આરતી કરવા પધાર્યા હતા. અને સમગ્ર તીર્થને જ્ઞાન રસપાન કરાવવાના શ્રી સોમનાથ ટ્રસ્ટના આ ભગીરથ કાર્યને અભિવાદન કર્યું હતું.
પ્રભુ શ્રીરામ અને શ્રીકૃષ્ણ સ્વરૂપે નાના ભૂલકાઓને જ્યારે પ્રભુ પ્રતિકૃતિ સ્વરૂપે વ્યાસાસન પર લઈ આવવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જય જય શ્રી રામ અને નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે કિલ્લોલ કરી આનંદમાં આવ્યા હતા. શ્રીકૃષ્ણ જન્મોત્સવ ની વધામણીમાં માખણ મિસરી ભરેલી મટકી ફોડવામાં આવી હતી અને સૌ કોઈ જાણે ગોકુલ ગામમાં હોય તે રીતે ગોવાળિયા અને ગોપી બનીને રાસ રમ્યા હતા.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા તેમજ ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત ની આરતી ઉતારવામાં આવી હતી. તેમજ ભક્તોને માખણ મિસરી અને પંજરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભોજન પ્રસાદ નો લાભ લઈને સૌ ભકતોએ વિદાઈ લીધી હતી.