અરવલ્લી જીલ્લાના નવ નિયુક્ત જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે પોલીસ તંત્રને અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના આપ્યા બાદ જીલ્લાનું પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે.
બાયડ પોલીસને જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમથી માહિતી આપવામાં આવી હતી કે, ડેમાઈ ખાતે એક મંદબુદ્ધિની મહિલા વાલી વારસો વગર ભટકતી હાલતમાં ફરે છે.
માહિતી આધારે પોલીસે પીસીઆર વાન મોકલી તાત્કાલિક મહિલાને બાયડ પોલીસ મથકે લાવી તપાસ કરતાં સામાન્ય મંદબુદ્ધિની પરિવારથી વિખુટી પડી ગયેલી મહિલા પ્રકાશબેન બટનભાઈ ગાડિયા(લુહાર) મુળ રહે. દેવલા, ભોગુદા, ઉદેપુર (રાજસ્થાન) તરીકે થતાં બાયડ પીએસઆઇ નરવતસિંહ રાઠોડ અને તેમની ટીમે તેના પરિવારનો સંપર્ક કરી પરિવાર સાથે મહિલાનું મિલન કરાવવામાં સફળતા મેળવી હતી.
બાયડ પોલીસના માનવિય અભિગમ અને સતર્કતાથી મંદબુદ્ધિની પરિવારથી વિખુટી પડી ગયેલી મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન થતાં મહિલાના પરિવારે સજળ આંખે બાયડ પોલીસનો આભાર માન્યો હતો. બાયડ પોલીસે પણ પોતાની ફરજ બજાવી મહિલા અને પરિવારનું મિલન કરાવ્યાનો આત્મસંતોષ વ્યક્ત કર્યો હતો.