દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત છે તેમ રાજ્યમાં અરવલ્લી જિલ્લાને રોલ મોડેલ તરીકે સહિયારા પ્રયાસોથી વિકાસવાનો પ્રયાસ કરાશે :સાંસદ દિપસિંહ રાઠોડ
Advertisement
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ અરવલ્લી ’ કાર્યક્રમન સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના સાંસદ દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે B2B અને B2C કાર્યક્રમ, ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા વિવિધ વિષયો પર એક દિવસીય સેમિનાર પણ યોજાયો હતો. આ સાથે જ જિલ્લાના વેપાર ઉદ્યોગ જગતનું તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાના છ ઉદ્યોગ-વેપાર એકમોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મારફતે રોકાણ કરવા માટે એમ.ઓ.યુ. સાઇન કર્યા હતા. કાર્યક્રમમાં કુલ રુ. ૫૬૬ કરોડ રૂપિયાના ૦૬ એમ.ઓ.યુ થયા હતા. કાર્યક્રમના પ્રારંભે સાંસદ દિપસિંહ રાઠોડ જણાવ્યુ કે, કોલ્ડ સ્ટોરેજ, પ્રવાસન અને બટાકાના ઉત્પાદન, સ્ટોરેજ અને પ્રોસેસિંગ ક્ષેત્રે અરવલ્લી જિલ્લાની આગવી ઓળખ છે ત્યારે અરવલ્લીને આગામી દિવસોમાં ઉદ્યોગ ક્ષેત્રે આગળ લઈ જવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા સાંસદ દિપસિંહ રાઠોડે જિલ્લા વહીવટી તંત્રને વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમના ટૂંકા ગાળાના આયોજન દ્વારા ઉત્કૃષ્ટ કાર્યક્રમ ઘડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયેલી વાઇબ્રન્ટની વિકાસ યાત્રા આગળ ધપી રહી છે. અરવલ્લીમાં જિલ્લામાં આવનારા સમયમાં રેલ્વેની કેનેક્ટિવીટી ઝડપથી આકાર પામશે જેથી અરવલ્લી જીલ્લામાં રોકાણકારો આવવાથી રોજગારીની વિપૂલ તકો સર્જાશે. જેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગના રોકાણ ક્ષેત્રે દેશમાં ગુજરાત રોલ મોડલ રાજ્ય તરીકે વિકસી આવ્યું એવી જ રીતે વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ-અરવલ્લી કાર્યક્રમ થકી રાજ્યમાં રોકાણ ક્ષેત્રે અને વેપાર ઉદ્યોગ માટે અરવલ્લી જિલ્લો રોલ મોડેલ બને તેવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સાબરકાંઠા – અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ, જીલ્લા ક્લેક્ટર પ્રશસ્તી પારિક, જીલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયા, નગર પાલિકા પ્રમુખ નિરજ શેઠ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.