અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામે પ્રજાપતિ પરિવારના બાવીસ વર્ષીય યુવકનું રવિવારે અકસ્માત સર્જાયા બાદ સારવાર દરમિયાન મંગળવારે મોત નીપજતાં ગામ આખું નૂતન વર્ષના દિવસે હિબકે ચડ્યું હતું.
સાઠંબા ગામના 22 વર્ષીય યુવાન દીપકભાઈ રવિવારના રોજ સામાજિક કામે તેમની માતા સાથે બહારગામ ગયા હોવાથી પરત આવતી વખતે તેમને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં દીપકભાઈ શામળભાઈ પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને અને તેમની માતા કાશીબેનને સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમની માતાને શારીરિક ઈજાઓ પહોંચી હોવાથી તેમને વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ કરી દિપકભાઈ શામળભાઈ પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા પરંતુ છ બહેનોના આ ભાઈએ મંગળવારે નૂતન વર્ષના દિવસે સારવાર દરમિયાન દમ તોડી દેતાં સાઠંબા ગામ માટે નુતન વર્ષનો દિવસ ગોઝારો નિવડ્યો હતો.
સદગત દીપકભાઈ શામળભાઈ પ્રજાપતિ તેમના હસમુખા સ્વભાવ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શિસ્તબદ્ધ કાર્યકર્તા હોવાના કારણે તેમના મોતનો સદમો આખા ગામને લાગી ગયો હતો અને તેમની સ્મશાન યાત્રા વખતે આખું ગામ હિબકે ચડ્યું હતું અને તહેવારની ઉજવણી બાજુમાં મૂકી દીધી હતી..