ઈશ્વર પ્રજાપતિ
આ પરીક્ષા માત્ર છે, જિંદગીનો આખરી જંગ નહીં
બોર્ડની પરીક્ષા આંગણે આવીને ઊભી છે. વાલી પોતાના વહાલસોયા સંતાન ભવિષ્ય અંગે ચિંતાતુર છે જ્યારે વિદ્યાર્થી વાલીઓની અપેક્ષાઓને લઈને વિમાસણમાં છે. વિદ્યાર્થી માણસ પર તણાવ એટલો તો હાવી થઈ જાય છે કે ક્યારેક વિદ્યાર્થી જીવન ટૂંકાવી નાખતાં પણ ખચકાતા નથી. માટે જ આજે વિષાંતર કરી જિંદગી ઝિંદાબાદ સિરિજમાં વિદ્યાર્થી અને વાલી માટે આર્ટિકલ લખવો યોગ્ય લાગ્યો.
યાદ રહે માર્કશીટ કરતાં મનોબળ વધુ મહત્વનું છે. આ પરીક્ષા માત્ર છે જિંદગીનો આખરી ઝંગ નથી. ઘણા ઓછા લોકો જાણતા હશે કે દુનિયાભરમાં નામના મેળવનાર અને નોબેલ પારિતોષિક મેળવનાર કવિવર રવીન્દ્રનાથ ટાગોરને શાળાએ જવુ પન ગમતું ન હતુ. એમને મહાન બનાવ્યા એમનામાં રહેલી સર્જનાત્મક શક્તિએ.વિશ્વની મહાન પ્રતિભાઓ પરીક્ષામાં અવ્વલ જ આવ્યા હોય એવા દાખલા જૂજ જોવા મળે છે. સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ડફોળ વિદ્યાર્થી કહી શાળામાં થી હાંકી કાઢવામાં આવ્યા હતા. વિચારો કદાચ આઈન્સ્ટાઈનના વાલી તમે હોત તો દુનિયાને મહાન વૈજ્ઞાનિક ભેટ મળત ખરી ???
ગરબડીયા અક્ષર વાળો, શરમાળ પ્રકૃતિનો, મેટ્રિકમાં માત્ર 40% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી મહાત્મા બની વિશ્વમાં પૂજાયા. મહાત્મા ગાંધી વિદ્યાર્થીકાળ દરમ્યાન એવરેજ વિદ્યાર્થી જ હતા. સમસ્ત વિશ્વ જેઓને તલ્લીન થઈ સાંભળે છે એવા રામાયણનું રસપાન કરાવતા પૂ. મોરારી બાપુ મેટ્રિકમાં ત્રણ વાર નાપાસ થયા હતા. વિશ્વભરમાં રિલાયન્સ સામ્રાજ્યને વિસ્તારનાર ધીરુભાઈ અંબાણી માત્ર ચાર ચોપડી ભણેલા હતા. મહારાષ્ટ્ર માં ધોરણ 10 ના પાઠ્યપુસ્તકો માં જેના પાઠ ભણાવાય છે એ સચિન તેંડુલકર ધોરણ દસ માં નાપાસ હતા. સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પન્નાલાલ પટેલ માત્ર સાત ચોપડી ભણ્યા હતા. ઉદાહરણ નું લિસ્ટ હજી લાબું થઈ શકે છે. પરંતુ કહેવાનો તાંતપર્ય એટલો જ છે જીવનમાં સફળતાનાં ઉચ્ચત્તમ શિખરે પહોંચવા પરીક્ષાના માર્ક્સ ક્યાંય બાધારૂપ બનતા નથી.
રશિયા અને યુક્રેન યુદ્ધથી વિશ્વમાં જેટલો તણાવ છે તે કરતાંય અનેક ઘણો તણાવ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓના પરિવાર ઉપર છે . વિદ્યાર્થી જાણે જીંદીગીનો આખરી ઝંગ લડવા જઈ રહ્યો હોય એવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના માર્ક્સ હવે વિદ્યાર્થીના જ નહીં પરંતુ પુરા પરિવારનો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. પોતાના સંતાનની ક્ષમતા કરતાં અનેક ઘણી વધારે અપેક્ષા રાખતાં રગવાયાં બનેલાં માં-બાપો ની સ્થિતિ દયનિય છે. સંતાનના બીજા અનેક કૌશલ્યમાં તરફ દુર્લક્ષય સેવતા અને સંતાનને માત્ર માર્ક્સ પાછળ આંધળી દોટ મુકવા મજબૂર કરનાર મા-બપોએ એક વાર માળીયામાંથી જુની સુટ્કેશ ઉતારી પોતાની માર્કશીટ ઉપર એક નજર નાખી લેવી જોઈએ. વિદ્યાર્થીની કક્ષા કરતાં વાલીની વધુ પડતી મહત્વકાંક્ષા, ઉત્તમ પરિણામ માટે પારિવારિક અતિ દબાણથી વિદ્યાર્થી ડિપ્રેશન અનુભવે છે પરીક્ષાના પરિણામો અંગે વિદ્યાર્થીના મસ્તિષ્કમાં કેવો ગજગ્રાહ સર્જાતો હશે કે વિદ્યાર્થી હતોત્સહી થઈ આત્મહત્યા કરવા પ્રેરાય છે.
ખેર! વાંક મા-બાપનોનો પણ નથી. આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે યોગ્ય પરીક્ષા પદ્ધતિ વિકસાવવામાં નિષ્ફળ રહ્યા છીએ. બાર મહિના વિદ્યાર્થી પરિશ્રમ કરે તેનો નિચોડ માત્ર ત્રણ કલાકમાં આપી દેવાનો. અને આ ત્રણ કલાક દરમ્યાન આપેલા પરફોર્મન્સ આધારે તેની પ્રતિભા નક્કી કરવી એ કેટલા અંશે વ્યાજબી છે ??? વિદ્યાર્થીની પ્રતિભાને મુલવી શકે એવું એક પણ લક્ષણ આપણી પરીક્ષા પદ્ધતિમાં નથી. આ માત્રને માત્ર મેમરી ટેસ્ટ ઓરીએંટેડ પરીક્ષા પદ્ધતિ છે.
ભારત દેશ તક્ષશિલા અને નાલંદા જેવા ભવ્ય વિદ્યાધામોનો અતિ ભવ્ય ઇતિહાસ ધરાવે છે. પરંતુ યાદ રહે કે આજે એક વિશ્વની 100 શ્રેષ્ઠત્તમ યુનિવર્સિટીઓની યાદીમાં ભારતની એક પણ યુનિવર્સિટી સ્થાન પામી શક્ત્તી નથી. વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી રિસર્ચ બેઝ્ડ કામ કરે છે. વિદ્યાર્થીઓને સ્વ બળે વિચારવાની અને વિકસવાની પુરતી આઝાદી આપવામાં આવે છે. અને હજી આપણી યુનિવર્સિટીમાં થીએરી બેઝ્ડ લર્નીગ સિવાય બીજું શુ થાય છે?
પરીક્ષાના માહોલને હળવા ફૂલ બનાવવાના સ્થાને ભયંકર બનાવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થી વિમાસણમાં છે. એક રીઢા કેદીને ન્યાયાધીશ સામે જુબાની આપવા હાજર કરતો હોય એ રીતે ચુસ્ત બંદોબસ્ત સાથે વિદ્યાર્થી ને પરીક્ષા ખંડ સુધી લઈ જવામાં આવે છે. પરિક્ષાખંડ માં પ્રવેશ પામતા પહેલા કસ્ટમ વિભાગ કરતા પણ વધારે કડક તપાસણી માંથી પસાર થવું પડે છે. જાણે વિદ્યાર્થી ખિસ્સામાં RDX ભરી પરીક્ષા કેન્દ્રને ઉડાવી દેવા ન આવ્યો હોય!! CC TV Cameraની ચુસ્ત નિજરાણીમાં પરીક્ષા લેવાય. તંત્ર દ્વારા એવો માહોલ સર્જવામાં આવે છે કે વિદ્યાર્થી ભયમુક્ત પરીક્ષા આપવાના બદલે સતત તાણ અનુભવે છે. પરદેશમાં વિદ્યાર્થી ની અનુમતિ વગર એના વર્ગખંડમાં માં અજાણી વ્યક્તિ પ્રવેશી શકતી નથી. અને અહીં ગ્મે તે વિદ્યાર્થીને ભર્ચક ક્લાસ વચ્ચે ગમે ત્યરે ગમે તે આવી ખિસ્સાં તપસી શકે. તંત્ર દ્વારા સ્કોડ ત્રાટકવાના ગતકડાં કરી વિદ્યાર્થીઓની માનસિક શાંતિમાં ખલેલ પાહીચડે છે. વિદ્યાર્થી પર આટલો અવિશ્વાસ રાખવાનું કારણ સમજાતું નથી. જે રીતે વિદ્યાર્થી પરીક્ષા સમયે વિદ્યાર્થી પર જે રીતે વૉચ રાખવામાં આવે છે એ પર થી તો રક વાત ચોક્કસ ફલિત થાય છે કે આપણે મૂલ્ય શિક્ષણ આપવામાં ક્યાંક ને ક્યાંક દાટ વાળ્યો છે. આવા નકારત્મક વાતાવરણ વચ્ચે વાલી તરીકે સંતાનને હકારાત્મક વતાવરણ પુરૂ પાડવાની જવાબદારી આપણી છે.
આપણે નકારાત્મક વલણથી તેના આત્મવિશ્વાસ ને , બુદ્ધિશક્તિને મુરઝાવી ન નાખીએ.દરેક બાળક સર્વગુણસંપન્ન ક્યાંથી હોય. કોઈનામાં કોઈ શક્તિ તો બીજાનામાં બીજી શક્તિ હોય એટલે માં બાપની ફરજ તો સંતાનમાં છુપાઈને પડેલી શક્તિ પારખી તેને બહાર લાવવા પ્રોત્સાહિત કરતા રહેવાની છે. તેને બદલે મર્યાદા કે અણઆવડત પ્રત્યે વધુ પડતું ધ્યાન આપતું કરી તેની અસ્વીકાર્યતા વલણ કેમ ઉભું કરવું ??? જીવનમાં જીત જીરવવી જેટલી સહેલી છે તેનાથી અનેકગણી મુશ્કેલ છે હરની સ્વીકાર્યતા. માતાપિતા તરીકે સંતાનને ખેલદિલી શીખવીએ. પડીને ઉભા થવામાં મર્દાનગી છે. વિદ્યર્થી સાથે મૈત્રી પૂર્ણ અને વિશ્વાસ યુક્ત વ્યવ્હાર થવો જોઈએ. દરેક વ્યક્તિ unique છે.
પોતાના સંતાનોને વધુ માર્ક્સ મેળવવાની લ્હાયમાં ધુવાંપુવાં થઈ ને ફરતા વાલીઓને મારે એક જ વાત કરવી છે. કે આજની પરીક્ષા એ આપના વહાલસોયા સંતાનની બુદ્ધિકક્ષા ચકાસવાની યોગ્ય પારાશીશી નથી જ. કસમનસીબે આવી પરીક્ષાને વધુ પડતું મહત્વ આપી આપણે આપણા સંતાનોને અનેક આઘાતો આપી મુરઝાવી દઈએ છીએ. તેના મગજમાં તેની જાત માટે વિશ્વાસ, આત્મવિશ્વાસ ઉભો કરવાને બદલે તેની શ્રધ્ધા ને જ ડગાવી મૂકીએ છીએ. બીજાના સંતાનોના પરિણામો સાથે તેના પરિણામો સરખાવી તેના આત્મસન્માનને ઘાત કરીએ છીએ. વધુ માર્ક્સની મહત્વકાંક્ષા પાછળ આંધળી દોટ મુકતા આપણે ક્યારેય વિચાર્યું છે કે અજાણતા જ એને અધોગતિના વહેણ તરફ ઘસડી રહ્યા છીએ. ઔપચારિક શિક્ષણને એટલું બધું મહત્વ આપી દીધું છે કે સંતાનમાં રહેલી સર્જનાત્મકતા ખીલવા દેવાનો અવકાશ જ ક્યાં અપાય છે??? પણ ઔપચારિક શિક્ષણ વાસ્તવિક જગતમાં કેટલું ઉઓયોગી છે તેનો વિચાર ક્યારેય કર્યો છે ખરો??
એક આદર્શ વાલી તરીકે આપણી આંખે આંજેલા સપનાઓ સંતાનની આંખે સાકાર થતાં જોવાની ભૂલ કદી ન કરીએ. કારણ સંતાનની આંખોમાં એના પોતિકા સપનાઓ છે. એને સાકાર કરવામાં મદદરૂપ ન બનીએ તો વાંધો નહીં પરંતુ એમાં બાધારૂપ તો ન જ બનીએ.