સુઝુકી મોટર્સ-જેટ્રો-આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલના વરિષ્ઠ સંચાલકોએ ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની પ્રશંસા કરી
જાપાનના અનુભવ અને ક્ષમતા સાથે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને જાપાનની ટેકનોલોજી સાથે ગુજરાતના યુથ ટેલેન્ટના સમન્વયથી જાપાન-ભારત-ગુજરાત સંબંધોને નવી ઊંચાઈ મળશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
-: મુખ્યમંત્રી :-
• વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ G20 ની સફળ પ્રેસિડેન્સીથી ક્લાયમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યા સામે ગ્રીન સસ્ટેઇનેબલ ફ્યુચરનો રોડ મેપ આપ્યો છે
• ૨૦૨૭ સુધીમાં કાર્બન મુક્ત નેટ ઝિરો ઇકોનોમી હાંસલ કરવાના લક્ષ્યમાં ગ્રીન ગ્રોથની પ્રાથમિકતાથી ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ છે
• રીન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સેમિકંન્ડક્ટર, ઈલેક્ટ્રીક મોબિલિટી અને ગ્લોબલ ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ જેવા નવા ઉભરતા ક્ષેત્રો સાથે ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ બનવા વાઇબ્રન્ટ સમિટથી ગુજરાત સજ્જ છે
• વિકસિત ભારત-આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે
• જાપાનના ઉદ્યોગ-રોકાણકારોને વાઇબ્રન્ટા-૨૦૨૪માં જોડાવા નિમંત્રણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ચોથા દિવસે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસ પ્રોફેશનલ્સ સાથે રોડ-શો યોજ્યો હતો.
Advertisement
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી ૨૦૨૪માં યોજાઇ રહેલી ૧૦મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જાપાનના ૨૦૦થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો-બિઝનેસ પ્રોફેશનલ્સ સમક્ષ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ભારતના વિકાસ રોલ મોડેલ રાજ્ય તરીકેની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ આ રોડ-શો માં કરી હતી.
તેમણે જણાવ્યું કે, જાપાન સમગ્ર વિશ્વમાં આધુનિક ટેકનોલોજી અને પ્રાચીનતમ સંસ્કૃતિ માટે મશહૂર છે. આ પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં ઉદ્યોગકારોનો સહયોગ મહત્વપૂર્ણ છે. ભારત અને જાપાન બેય દેશો માનવતા અને આધુનિકતાના સિદ્ધાંતમાં માને છે. એટલું જ નહીં, ગુજરાતે તો વિકાસના રોલ મોડલ અને પોલીસી ડ્રિવન સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, જાપાનના અનુભવ અને ક્ષમતા સાથે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને જાપાનની ટેકનોલોજી સાથે ગુજરાતના યુથ ટેલેન્ટના સમન્વયથી જાપાન-ભારત-ગુજરાત સંબંધોને વડાપ્રધાનના માર્ગદર્શનમાં નવી ઊંચાઈ મળશે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે G20 ની સફળ પ્રેસિડેન્સીથી ક્લાયમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા સામે ગ્રીનર સસ્ટેઇનેબલ ફ્યુચરનો રોડ મેપ આપ્યો છે. ૨૦૨૭ સુધીમાં કાર્બન મુક્ત નેટ ઝિરો ઇકોનોમી હાંસલ કરવાના વડાપ્રધાનના લક્ષ્યમાં ગુજરાતને ગ્રીન ગ્રોથની પ્રાથમિકતાથી અગ્રેસર રાખવાની નેમ પણ મુખ્યમંત્રીએ દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં લેવાયેલા ઇનિશ્યેટીવ્ઝને કારણે ભારત આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહ્યું છે અને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે.
મુખ્યમંત્રીએ આત્મનિર્ભર, વિકસિત ભારત માટે આત્મનિર્ભર ગુજરાતની સંકલ્પના સાથે ગુજરાતે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, ઇ-મોબિલીટી, રીન્યુએબલ એનર્જી તથા ગ્લોબલ ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ જેવા ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટના સેક્ટર્સ પર વિશેષ ઝોક આપ્યો છે તેની વિશદ ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે આગામી વાઇબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાત આ નવા ઉભરતા ક્ષેત્રમાં લીડ લેવા સજ્જ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પોલીસી ડ્રીવન સ્ટેટ, પ્રો-એક્ટીવ અપ્રોચ, પ્રોત્સાહક અભિગમ વાળા રાજ્ય તરીકેની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતા જાપાનીઝ ઉદ્યોગ રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકસિત ભારત@૨૦૪૭ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને જાપાનના ઉદ્યોગ રોકાણકારોની સહભાગીતા પણ તેમાં જોડાશે.
જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO) ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કાઝુયા નાકાજો અને JETRO ના ડાયરેક્ટર જનરલ તાકેહિકો ફુરુકાવાએ ગુજરાતે સાધેલા નોંધપાત્ર વિકાસની તેમજ ભારતમાં ગુજરાતે ઊભા કરેલા સ્થાનની સરાહના કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શનની પ્રશંસા કરીને વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમમાં ગુજરાતની અભિન્ન ભૂમિકાને હાઇલાઇટ કરી હતી. ફુરુકાવાઓ જણાવ્યું કે ગુજરાત રાજ્યના આ વિકાસનું કારણ ડબલ એન્જિન સરકાર છે.
સુઝુકીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કેનિચી આયુકાવાએ ગુજરાતમાં કામ કરવા અંગેની સફળતાની વિગતો આપતાં વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીના સક્રિય સ્વભાવની પ્રશંસા કરી અને ગુજરાત વિશેના તેમના હકારાત્મક અનુભવને શેર કર્યા હતા. આયુકાવાએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં ફળદાયી પરસ્પર ચર્ચાઓ ગુજરાત અને જાપાન વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવશે.
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના ડિરેક્ટર કુબોટા કેજીએ ગુજરાતમાં તેમના રોકાણો અને સ્ટીલ ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ સાથે ગુજરાતમાં તેમની ક્ષમતા વિસ્તારવાની ભાવિ યોજનાઓ વિશે વાત કરી હતી. તેમણે કંપની દ્વારા અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કરવામાં આવી રહેલી કામગીરી પર ભાર મૂક્યો હતો ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરે ગુજરાતની ક્ષમતાઓ અને રાજ્યમાં રહેલી તકો અંગેનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.
જાપાનમાં ભારતના રાજદૂત સીબી જ્યોર્જે ભારત અને જાપાન વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક સંબંધો, અને ખાસ કરીને જાપાન અને ગુજરાત સાથેના સંબંધો કેવી રીતે બંને પ્રદેશો વચ્ચે મજબૂત સહયોગનું કારણ બને છે તે વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં જાપાની કંપનીઓની હાજરી વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજકુમારે ભારતની ગતિશીલ અને સ્થિતિસ્થાપક અર્થવ્યવસ્થામાં ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી હતી. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ અને દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનો ઉલ્લેખ કરીને તેમણે ભારત-જાપાન સહયોગના વિવિધ ઉદાહરણોને ઉજાગર કર્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, ગુજરાત એક એવું સ્થળ છે જ્યાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, જીવનની ઉચ્ચ ગુણવત્તા અને વૈવિધ્યસભર અને ગતિશીલ સંસ્કૃતિના સંદર્ભમાં અસંખ્ય પ્રત્યક્ષ અને પરોક્ષ લાભો મળે છે. આ રોડ-શો માં ટોક્યોનાં અગ્રણી ઉદ્યોગ-રોકાણકારોએ ગુજરાતની ડબલ એન્જીાન સરકારની વિકાસ ગાથા જાણીને રોકાણો માટે ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનના પ્રવાસે ગયેલા ગુજરાત ડેલિગેશનના સભ્યો પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.